- પકોડી વેચનારની દીકરી બની હોકીની ઇન્ટરનેશનલ ખેલાડી
- જાણો તેની સફળતાનું શું છે રહસ્ય
- શિવાની અંડર-17 સબ જુનિયર ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે
નવી દિલ્હી: જો કોઇપણ વ્યક્તિ દૃઢતા અને સંકલ્પશક્તિ તેમજ દૃઢ નિર્ધાર સાથે કશુ કરવા માટે વચનબદ્વ રહે તો તે વ્યક્તિ કોઇપણ પડકારોને ઝીલીને તેને પાર કરીને પણ સફળતાના શીખરો સર કરી શકે છે. અનેક લોકો અભાવમાં પણ અવસર શોધી લે છે. આવી જ પ્રેરણાદાયક સ્ટોરી છે રાજસ્થાનના દૌસામાં એક ગામની રહેવાસી શિવાનીની. જેણે પોતાની કારિકર્દમાં હોકી જેવી રમતને પસંદ કરી અને અનેકવાર નેશનલ રમતમાં રમી. જ્યારે અંડર-16માં તો તે ઇન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકી છે. હવે શિવાનીની ભારતીય ટીમમાં પસંદગી થતાં ટોપ-20 પ્લેયરમાં પસંદગી કરવામાં આવી છે.
શિવાનીની સફળતાની વાત પણ સંઘર્ષમય છે. શિવાનીના પિતા કોઇ ધનવાન વ્યક્તિ નથી. તે દૌસાના મંડાવર ગામમાં પકોડી વેચીને ગુજરાન ચલાવે છે. દૌસા જીલ્લાના મંડાવર ગામમાં રહેતી સીતારામ સાહૂની પુત્રી શિવાના સાહૂ સમગ્ર દેશમાં નામ બનાવી રહી છે. વર્ષ 2012માં પોતાના જ ગામમાં જર્મન નેશનલ પ્લેયર આંદ્રેયા પાસે કોચિંગ લઇને હોકીના પાઠ ભણી.
શિવાની અંડર-17 સબ જુનિયર ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે. હોકીમાં પોતાની કારકિર્દી બનાવવા અને એજ્યુકેશનને પણ વધારવાના ઉદ્દેશ્યથી શિવાની 2018માં મુંબઈ આવી ગઈ. તેના પછી ગુરુ નાનક ખાલસા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલથી સીનિયર સેકંડરી પાસ કર્યું.. ત્યારબાદ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે પુણે શિફ્ટ થઈ ગઈ. હાલમાં તે પુણે યુનિવર્સિટીની બીએની સ્ટુડન્ટ છે. અને મહારાષ્ટ્ર માટે નેશનલ રમે છે.
શિવાની સાહૂ 2016માં અંડર-17ની ભારતીય ટીમનો ભાગ પણ રહી ચૂકી છે. શિવાનીના સપનાને ત્યારે પાંખો આવી જ્યારે તેની નેશનલ સેન્ટર ઓફ એક્સીલેન્સ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 60 ખેલાડીઓમાં પસંદગી થઈ અને તેના પછી હવે તે ટોપ-20 પ્લેયરમાં પણ જગ્યા મેળવવામાં સફળ રહી છે. આ 20 ખેલાડીઓમાં ભારતીય ટીમના હોકી ખેલાડીઓ પણ છે. સાથે જ શિવાની સાહૂ પણ છે.
આ 20 ખેલાડીઓમાંથી હોકી રમતની ભારતીય ટીમની પસંદગી થશે. કુલ 18 પ્લેયર પસંદ થશે, જેમાંથી 11 મેદાનમાં રમે છે. હોકીની ભારતીય ટીમના ભાગ બનવાના આરે આવી ગયેલી શિવાની સાહૂ પ્રસન્ન છે. અને પોતાની સફળતાનો શ્રેય હોકી કોચ આંદ્રેયા અને પોતાના પરિજનોને આપે છે