નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન: સિકલ સેલ રોગ માટે 1 કરોડથી વધુની તપાસ કરાઈ
નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રાલય દ્વારા એક નોંધપાત્ર સીમાચિહ્નને પાર કરવામાં આવ્યું છે. નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન અંતર્ગત સિકલ સેલ ડિસીઝ માટે 1 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. આ મિશન 3 વર્ષમાં 7 કરોડ લોકોની તપાસ કરવાનો પ્રયાસ કરે છે. સિકલ સેલ રોગ એ એક આનુવંશિક રક્ત રોગ છે જે અસરગ્રસ્ત દર્દીના આખા જીવનને અસર કરે છે. તે ભારતની આદિવાસી વસ્તીમાં વધુ સામાન્ય છે, પરંતુ બિન-આદિવાસીઓમાં પણ તે જોવા મળે છે.
પ્રધાનમંત્રી દ્વારા 1 જુલાઈ, 2023ના રોજ મધ્યપ્રદેશના શહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારતના તમામ આદિવાસી અને અન્ય ઉચ્ચ પ્રચલિત વિસ્તારો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સિકલ સેલ એનિમિયાની તપાસ, નિવારણ અને વ્યવસ્થાપન માટે મિશન મોડમાં હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 17 રાજ્યોના 278 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, એસસીડીનું પ્રમાણ વધારે છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ, ઉત્તર પ્રદેશ, કેરળ, બિહાર અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.