મુંબઇના સિદ્વિવિનાયક મંદિરમાં દર્શન માટે હવે નવા નિયમો, માર્ચથી ઑનલાઇન રજીસ્ટ્રેશન વગર નહીં મળે પ્રવેશ
- મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
- 1લી માર્ચથી ગણપતિ ભગવાનના દર્શન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજીયાત
- ઓનલાઇન રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો મંદિરમાં પ્રવેશ નહીં મળે
મુંબઇ: મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાના કેસને કારણે શહેરના વિખ્યાત સિદ્વિવિનાયક મંદિરમાં દર્શન કરવા માટેના નવા નિયમો બનાવાયા છે. 1લી માર્ચથી ગણપતિ ભગવાનના દર્શન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેવા જ ભક્તોને પ્રવેશ અપાશે. વર્તમાનમાં મંદિરે પહોંચ્યા બાદ ત્યાં રજિસ્ટ્રેશન કરાવી અને ક્યુઆર કોડ મેળવીને ભક્તો તરત જ દર્શનાર્થે જઇ શકતા હતા પરંતુ આ વ્યવસ્થા 1 માર્ચથી બંધ કરી દેવાશે. આગામી મહિનાથી દર કલાકે માત્ર 10 દર્શનાર્થીઓને જ દર્શન માટે મંજૂરી અપાશે.
મંદિર ટ્રસ્ટના સીઇઓ પ્રિયંકા છાપાવાલેએ કહ્યું હતું કે, હાલ જે ભક્તોએ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેમને સ્થળ પર ક્યુઆર કોડ આપવામાં આવે છે. જેની મદદથી તેઓ મંદિરમાં પ્રવેશી દર્શન કરી શકે છે. જો કે, 1 માર્ચથી આ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. અગાઉ રજિસ્ટ્રેશન ના કરાવનારા વ્યક્તિને નવો આદેશ ના અપાય ત્યાં સુધી દર્શનની મંજૂરી નહીં મળે. દર કલાકે અગાઉથી નોંધણી કરાવનારા ક્યુઆર કોડ સાથેના માત્ર 100 લોકોને દર કલાકે સવારે 7થી 9 વાગ્યા દરમિયાન દર્શન કરવા જવા દેવાશે.
આ ઉપરાંત મંગળવારે અંગારકી ચોથ છે ત્યારે માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશના વિવિધ ભાગમાંથી ભક્તો ગણપતિ ભગવાનના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર આવે છે. ત્યારે આ દિવસે પણ સવારે 8થી રાત્રે 9 સુધી અગાઉથી નોંધણી કરાવનારા ભક્તોને જ પ્રવેશ અપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે આઠ મહિના સુધી મુંબઈના પ્રભાદેવી સ્થિત સિદ્વિનાયક મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે નવેમ્બર 2020માં ફરી ભક્તો માટે ખુલ્લું મૂકાયું હતું.
(સંકેત)