- અમેરિકાના વિદેશ મંત્રાલયે જો બાઇડેન સરકારનો પ્રથમ માનવાધિકાર રિપોર્ટ જાહેર કર્યો
- આ રિપોર્ટમાં વિશ્વભરમાં માનવાધિકારની સ્થિતિનું કરાયું આકલન
- જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે: રિપોર્ટ
નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રાલયે જો બાઇડેન સરકારનો પ્રથમ માનવાધિકાર રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં વિશ્વભરમાં માનવાધિકારની સ્થિતિનું આકલન કરવામાં આવ્યું છે.
આ રિપોર્ટમાં આખરે એ સ્વીકારાયું છે કે જમ્મૂ કાશ્મીરમાં ભારત સ્થિતિ સામાન્ય કરવા માટે સતત પ્રયાસરત છે અને આ રાજ્યમાં સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટમાં ભારત સરકાર દ્વારા નાગરિકોના માનવાધિકાર માટે જે પણ પ્રયાસો કરાયા છે તેની પણ પ્રશંસા કરવામાં આવી છે. ભારત દ્વારા પ્રસાર માધ્યમો પરના પ્રતિબંધ હટાવી લેવાયા છે. નજરકેદ કરાયેલા લોકોને છોડવામાં આવી રહ્યા છે.
જો કે રિપોર્ટમાં બીજી તરફ પ્રેસની સ્વતંત્રતા, પોલીસ દ્વારા ગેરકાયદે હત્યાઓ, અપમાનજનક વ્યવહાર, પોલીસ દ્વારા દમન, અભિવ્યક્તિની આઝાદી અને ધાર્મિક સ્વતંત્રતાના મામલે ભારતની ટીકા પણ કરાઇ છે.
આ રિપોર્ટમાં રશિયાની સરકારની વિરોધીઓને ટાર્ગેટ કરવા બદલ તથા સીરિયાના નેતા બશર અલ અસદની પોતાના જ દેશના લોકો પર અત્યાચાર કરવા બદલ ટીકા કરાઇ છે. જ્યારે ચીન દ્વારા શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો પર થતા અત્યાચારની રિપોર્ટમાં પણ ઝાટકણી કાઢવામાં આવી છે.
(સંકેત)