- આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવોની બેઠક યોજાઇ
- આ બેઠકમાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કાર્યકારોને કહ્યું આહ્વાન
- કોંગ્રેસે અનુશાસન અને એકતા દાખવવી પડશે
નવી દિલ્હી: આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવોની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ દેશના મુદ્દાઓ પર નિવેદન આપે છે, પરંતુ મારા વ્યક્તિગત અનુભવ અનુસાર તેઓ પાયાના કાર્યકરો સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં છે. હું નીતિ વિષયક મુદ્દાઓ પર રાજ્ય સ્તરના નેતાઓમાં વૈચારિક સ્પષ્ટતા અને એકતાનો અભાવ જોઉં છું. ભાજપને આડે હાથ લેતા કહ્યું કે, આપણે ભાજપ-RSSની દૂષિત વિચારધારાનો સામનો કરવો પડશે. આપણે અનુશાસન અને એકતા બતાવવી પડશે.
આ બેઠકમાં મોંઘવારી મુદ્દે જનજાગૃતિ અભિયાન, સભ્યપદ માટેની કવાયત, આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ સહિતના અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી ઉપરાંત લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી અને નવજોત સિંહ સિદ્વુ પણ સામેલ થયા હતા.
અગાઉ 16 ઑક્ટોબરના રોજ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક થઇ હતી. જેમાં 1 નવેમ્બરથી કોંગ્રેસ સદસ્યતા અભિયાન ચલાવશે, જે આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત 14-29 નવેમ્બર દરમિયાન કોંગ્રેસ મોંઘવારી મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવશે તે બાબતે પણ સંમતિ સધાઇ હતી.
નોંધનીય છે કે, આગામી વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. અત્યારે તમામ પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીમાં વ્યસ્ત જણાઇ રહ્યાં છે. દરેક પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. પાંચ રાજ્યોમાંથી પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. જો કે ગત દિવસોમાં પંજાબ કોંગ્રેસમાં ઘમસાણ જોવા મળ્યું હતું અને વિપક્ષને આ હંગામા પર નિશાન સાધવાની તક પણ મળી ગઇ હતી.