Site icon Revoi.in

કોરોના સંકટ પર સુપ્રીમે કહ્યું – આ નેશનલ ઇમરજન્સી, કોર્ટ મૂકપ્રેક્ષક બનીને ના રહી શકે

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીની સ્થિતિના પ્રબંધન સંબંધિત ઓક્સિજનની અછત અને અન્ય મુદ્દાઓ મામલે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યુ હતું કે, જ્યારે અમને લાગશે કે લોકોનું જીવન બચાવવા માટે અમારે હસ્તક્ષેપ કરવો જોઇએ, ત્યારે અમે એવું કરીશું. જસ્ટિસ એસ. રવીન્દ્ર ચંદ્રએ પૂછ્યું કે, સંકટનો સામનો કરવા માટે નેશનલ પ્લાન શું છે? શું કોરોના સંકટનો સામનો કરવા માટે વેક્સીનેશન જ મુખ્ય વિકલ્પ છે.

કોરોના પ્રબંધન પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રીય સંકટના સમયે આ કોર્ટ મૂકદર્શક ન રહી શકે. અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે હાઇકોર્ટ્સની મદદની સાથે પોતાની ભૂમિકા અદા કરીએ..હાઇકોર્ટ્સની પણ અગત્યની ભૂમિકા છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આ સુનાવણીનો ઉદ્દેશ્ય હાઇકોર્ટ્સનું દમન કરવું કે તેમના કામમાં હસ્તક્ષેપ કરવાનો નથી. તેમની ક્ષેત્રીય સીમાઓની અંદર શું થઈ રહ્યું છે, તેઓ તેના વિશે વધુ સારી રીતે સમજ ધરાવે છે.

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, કેટલાક રાષ્ટ્રીય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની આવશ્યક્તા છે. રાજ્યોની વચ્ચે સમન્વયથી સંબંધિત મુદ્દાઓ હોઈ શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સંકટના સમયે સુપ્રીમ કોર્ટ મૂકપ્રેક્ષક ન હોઈ શકે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જો ક્ષેત્રીય સીમાઓના કારણે કોઈ મુદ્દાનો સામનો કરવામાં હાઇકોર્ટ્સને કોઈ તકલીફ થાય છે તો અમે મદદ કરીશું.

બીજી તરફ, કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓક્સિજનની અછત અને કોવિડ-19 મહામારીના પ્રબંધન પર કહ્યું કે, અમે સ્થિતિને ખૂબ સાવધાનીથી સંભાળી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે હાઇલેવલ કમિટી તેની પર કામ કરી રહી છે અને વડાપ્રધાન પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

(સંકેત)