Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે સુપરટેકને આપ્યો ઝટકો, બંને ટાવર્સને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો

Social Share

નવી દિલ્હી: સુપરટેક એમેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે સુપરટેકને મોટો ઝટકો આપ્યો છે અને કોર્ટે નોઇડા એક્સપ્રેસ સ્થિત પ્રોજેક્ટના ટાવર-16 અને 17ને ગેરકાયદેસર ઠેરવ્યા છે. સુપ્રીમે અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો અને બંને ગેરકાયદેસર ટાવર્સને તોડી પાડવાના આદેશ આપ્યા. સુપરટેકના આ બંને ટાવર 40-40 માળના છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ આદેશ બાદ હવે ખરીદદારોને પણ પૈસા પાછા આપવાનો સુપ્રીમ કોર્ટે સુપરટેકને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સુપરટેકને ટ્વિન ટાવર્સને પોતાના ખર્ચે ત્રણ મહિનાની અંદર તોડી પાડવાનો આદેશ આપ્યો અને કોર્ટે કહ્યું કે, સુપરટેક ફ્લેટ ખરીદનારાઓની રકમ વ્યાજ સહિત પાછી આપે.

અલાહાબાદ હાઈકોર્ટે 11 એપ્રિલ 2014ના નિયમોનો ભંગ કરવાના પગલે બંને ટાવર્સને તોડી પાડવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ ઘર ખરીદનારાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પેનલે ચાર ઓગસ્ટના રોજ આ અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આ ટાવર્સને નિયમોને અવગણીને બનાવાયા છે. કોર્ટે કહ્યું કે જે પણ લોકોએ આ સુપરટેકના ટ્વીન ટાવર્સમાં ફ્લેટ લીધા હતા તેમને 12 ટકા વ્યાજ સાથે રકમ પાછી મળશે. ટાવર્સને તોડતી વખતે આસપાસની ઇમારતને નુકસાન ના થવું જોઇએ. 40-40 માળના આ સુપરટેકના ટાવર્સમાં 1-1 હજાર ફ્લેટ્સ છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્લેટ્સ બિલ્ડર અને નોઈડા  ઓથોરિટીની મિલીભગતનું પરિણામ છે. જેમની મંજૂરી યોજનાની RWA સુદ્ધાને ખબર નહતી. કોર્ટે કહ્યું કે સુપરટેકના T16 અને T17 ટાવર્સના બનતા પહેલા ફ્લેટ માલિક અને RWA ની મંજૂરી લેવી જરૂરી હતી. આ સાથે જ જ્યારે આ નોટિસ નીકળી ત્યારે ન્યૂનતમ અંતરની જરૂરિયાતના નિયમોને તોડવામાં આવ્યા તો પણ કોઈ કાર્યવાહી થઈ નહી.