Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે આખરે મરાઠા અનામતને કર્યુ રદ, કહ્યું – આ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રદ કરી દીધું અને કહ્યું કે મરાઠા અનામત 50 ટકાથી વધુ ના હોઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સમાનતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા 50 ટકા પર નક્કી કરવાના 1992ના મંડલ નિર્ણયને બેન્ચની પાસે મોકલવાનો ઇનકાર કરી દીધો છે. તે ઉપરાંત કોર્ટે સરકારી નોકરીઓ તેમજ પ્રવેશમાં મરાઠા સમુદાયને અનામત આપવા સંબંધિત મહારાષ્ટ્રના કાયદાને રદ કરતાં તેને ગેરબંધારણીય કરાર કર્યો.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે, બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓ પર પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ઇન્દિરા સાહનીના નિર્ણય પર ફરી વિચાર કરવાનું કારણ નથી મળ્યું.

આપને જણાવી દઇએ કે જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવીન્દ્ર ભટની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો.

સુપ્રીમ કોર્ટ અનુસાર, મરાઠા સમુદાય શૈક્ષણિક અને સામાજીક રીતે પછાત નથી, તેથી તેમને અનામત ન આપી શકાય. સાથોસાથ સુપ્રીમે ઉમેર્યું કે, અનામતની મર્યાદા 50 ટકાથી વધુ ના હોઇ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ જજોની બેન્ચે ચાર અલગ-અલગ ચુકાદા આપ્યા છે. પરંતુ તમામે સ્વીકાર્યું કે મરાઠા સમુદાયને અનામત ન આપી શકાય. અનામત માત્ર પછાત વર્ગને આપવામાં આવી શકે છે. મરાઠા સમુદાય આ કેટેગરીમાં નથી આવતો.

(સંકેત)