અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં 370મી કલમ હટાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. જ્યારે લડાખને પણ ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો. જેને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. બે વર્ષ દરમિયાન જમ્મુ-કાશમીર અને લડાખમાં કેવા પરિવર્તન આવ્યા અને આર્થિક વિકાસમાં ગુજરાતની ભૂમિકા અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલ તા ૨૫ ઓગસ્ટને બુધવારના રોજ જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર ગુજરાત એકમ અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક નેશનલ સિમ્પોઝિયમ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે યોજાશે. આ સિમ્પોઝિયમનો મુખ્ય વિષય “કલમ 370ની નાબૂદી બાદ બે વર્ષ પછીની જમ્મુ કાશ્મીર અને લડાખની સ્થિતિ તેમજ થયેલા પરિવર્તનો” રહેશે. જમ્મુ કાશ્મીર અને લદાખના લેફ્ટેનેન્ટ ગવર્નર મનોજ સિંહા વેબમાધ્યમથી આ સિમ્પોઝિયમ જોડાશે. આ કાર્યક્રમ બ્લેન્ડેડ મોડમાં એટલે કે ઓનલાઇન + ઓફલાઇન પદ્ધતિથી યોજાશે.
જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર ગુજરાત એકમ અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે બુધવારે યુનિ,કેમ્પસ ખાતે યોજાનારા નેશનલ સિમ્પોઝિયમમાં જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર, નવી દિલ્હીના નિયામક શ્રી આશુતોષ ભટનાગર, સુપ્રીમ કોર્ટના વકીલ શ્રી સંજય ત્યાગી, જમ્મુ કાશ્મીરના ધારાસભ્ય શ્રી અજેય ભારતી, જમ્મુ-કાશ્મીર ઈકોનોમીક ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ડાયલોગના નિયામક શ્રી સુનીલ શાહ, પત્રકાર શ્રી કિશોર મકવાણા, ઓટીટી ઇન્ડિયાના સીઈઓ શ્રી વિવેક ભટ્ટ વગેરે કલમ 370ની નાબૂદી બાદ નવા ડોમિસાઈલ રૂલ, ડીલીમીટેશન, ગત બે વર્ષમાં જમ્મુ-કાશ્મીર લદાખમાં થયેલ વિકાસ કાર્યો તેમજ તેના આર્થિક વિકાસમાં ગુજરાતની ભૂમિકા જેવા વિષયો ઉપર વાર્તાલાપ, વિશ્લેષણ થશે.
કાર્યક્રમનો પ્રારંભ સવારે 9.30 કલાકે થશે. આ કાર્યક્રમના મીડિયા સંયોજક તરીકે ડૉ શિરીષ કાશીકર જવાબદારી વહન કરશે