તાલિબાન સૌથી પહેલા કાબુલ એરપોર્ટને ફરી શરૂ કરવા કરશે કામ, ઉડ્ડયન નિષ્ણાતોની ટીમ મદદ માટે પહોંચી
- અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાન સ્થિતિ થાળે પાડવા તૈયાર
- સૌપ્રથમ તાલિબાન કાબૂલ એરપોર્ટને ફરી શરૂ કરવા માટે કામ કરશે
- આ માટે ઉડ્ડયન નિષ્ણાતોની એક ટીમ મદદ માટે પહોંચી છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ હવે તાલિબાન અફઘાનિસ્તાનમાં સ્થિતિને થાળે પાડવા માટે પ્રયાસરત છે. તાલિબાનની પહેલી યોજના કાબૂલ એરપોર્ટને ફરી શરૂ કરવાની છે. તાલિબાનને મદદ કરવા માટે ઉડ્ડયન નિષ્ણાતોની ટીમ પણ કાબુલ પહોંચી છે.
મીડિયા અહેવાલ અનુસાર કતારથી એક વિમાન બુધવારે હમીદ કરઝાઇ એરપોર્ટ પર ઉડ્ડયન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ઉતર્યું હતું. જો કે હાલમાં મદદ અંગે આવો કોઇ કરાર કરવામાં આવ્યો નથી. જો કે કતારની ટીમે અનેક પક્ષોની વિનંતી બાદ આ પહેલ કરી છે.
હાલમાં સુરક્ષા અને કામગીરીના સ્તર અંગે વાટાઘાટો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમનું કામ ફરી એક વખત કાબુલ એરપોર્ટથી ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવાનું છે, જેથી લોકોને મદદ મળે અને ગમે ત્યાં લોકોની અવરજવર સુનિશ્ચિત થાય. તાલિબાનના વરિષ્ઠ નેતા અનસ હક્કાનીએ કહ્યું કે તાલિબાન કાબુલ એરપોર્ટને તેની અગાઉ જેવી સ્થિતિમાં કરવા માંગે છે.
તાલિબાન નેતાનો આરોપ છે કે પશ્વિમ સુરક્ષા દળોએ ખાલી કરાવાવની પ્રક્રિયા દરમિયાન એરપોર્ટને નુકસાન પહોંચાડ્યું છે. તાલિબાન નેતા અનુસાર ટૂંક સમયમાં જ એરપોર્ટ પર ફ્લાઇટ્સ ઑપરેશનની સુવિધા શરૂ થશે.
અમેરિકી અધિકારીઓએ કહ્યું છે કે કાબુલ એરપોર્ટ સારી સ્થિતિમાં નથી અને તેના મોટાભાગના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. અમેરિકાએ દેશ છોડ્યા બાદ તાલિબાને મંગળવારે કાબુલ એરપોર્ટ પર કબ્જો કર્યો હતો અને બે દાયકા પછી અમેરિકી સૈન્ય કાબુલ છોડ્યા બાદ ગોળીબાર સાથે ઉજવણી કરી હતી.
અમેરિકા અને તેના સાથીઓએ કાબુલમાંથી 1,23,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. પરંતુ હજુ પણ હજારો લોકો અહીં ફસાયેલા છે.