Site icon Revoi.in

પંજાબ બાદ તેલંગાણા સરકારનું એલાન, આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને કરશે આર્થિક સહાય

Social Share

નવી દિલ્હી: સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની ઘોષણા બાદ દેશમાં ખેડૂતો પર રાજકારણ ગરમાયું છે. હવે આ વચ્ચે તેલંગાણા સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને પંજાબ સરકાર દ્વારા વળતરના એલાન બાદ હવે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવે તમામ મૃતક ખેડૂતોના પરિવારોને 3-3 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. કૃષિ કાયદાઓના વિરોધમાં એક વર્ષથી ચાલી રહેલા આંદોલનમાં માર્યા ગયેલા અંદાજીત 750 ખેડૂતોના પરિવારજનોને તેલંગાણા સરકાર આર્થિક સહાય પૂરી પાડશે. સરકાર આ વળતર માટે 22 કરોડ રૂપિયાની ફાળવણી કરી રહી છે.

બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકાર પાસે ખેડૂત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય માંગ કરી છે. આ સાથે જ તેમણે ખેડૂતો વિરુદ્વ દાખલ કરવામાં આવેલા કેસોને પરત લેવાની પણ માંગ કરી છે. તેમણે વીજ સંશોધનને પણ પરત લેવાની અપીલ કરી છે.

નોંધનીય છે કે, કેસીઆર રવિવારે દિલ્હીમાં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે. અગાઉ પંજાબ સરકારે પણ આંદોલન દરમિયાન મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવાનું એલાન કર્યું હતું.