- હિંદુ મહિલાઓને નિશાન બનાવતી ટેલિગ્રામ ચેનલ બ્લોક
- આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
- સરકાર આ મુદ્દે પોલીસ સત્તાવાળાઓ સાથે કરી રહી છે સંકલન
નવી દિલ્હી: થોડાક સમય પહેલા 100 પ્રભાવશાળી મુસ્લિમ મહિલાઓના ફોટા એક એપ પર ઑન ઑક્શન તરીકે અપલોડ કરાતા આક્રોશ ફેલાયો હતો. આ જ રીતે હિંદુ મહિલાઓને લક્ષ્યાંક બનાવતી એક ટેલિગ્રામ ચેનલને પણ હવે બ્લોક કરી દેવામાં આવી છે. આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી હતી. વધુમાં સરકાર આ મુદ્દે પોલીસ સત્તાવાળાઓ સાથે પણ સંકલન કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક સોશિયલ મીડિયા યૂઝર્સે સરકારને ધ્યાન દોર્યું હતું કે, એક ટેલિગ્રામ ચેનલ હિંદુ મહિલાઓને લક્ષ્યાંક બનાવી રહી છે અને તેમના બિભિત્સ ફોટા ચેનલ પર અપલોડ કરી રહી છે અને હિંદુ મહિલાઓને અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સે ધ્યાન દોર્યા બાદ સરકારે તાત્કાલિક રીતે આ ચેનલને બ્લોક કરી છે.
અગાઉ એક એપ પર 100 જેટલી પ્રતિભાશાળી મુસ્લિમ મહિલાઓના ફોટો અપલોડ કરાતા ખળભળાટ મચી ગયો હતો અને લોકોમાં વ્યાપકપણે રોષ જોવા મળ્યો હતો. ગત વર્ષે પણ જુલાઇમાં આવેલા સુલ્લી ડીલ્સની જેમ આ વખતે બુલ્લી બાઇના નામે પિક્ચર અપલોડ કરાયા હતા.
આપને જણાવી દઇએ કે બુલ્લી બાઇ એપ ખોલતા તેમાં મુસ્લિમ મહિલાઓનો ચહેરો સ્પષ્ટપણે દેખાય છે. મુસ્લિમ મહિલાઓ ટ્વિટર પર એકદમ સક્રિય છે. તેમાં પત્રકારોનો પણ સમાવેશ થાય છે. તેઓએ તરત જ આ તરફ ધ્યાન દોર્યું હતું.