Site icon Revoi.in

નેશનલ ટેસ્ટિંગ એજન્સી JEE મેઈનની એકથી વધુ અરજી કરનારા સામે કાર્યવાહી કરશે

Social Share

અમદાવાદઃ ઈજનેરી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી  જેઈઈ મેઇન 2025ની સેશન- 1 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ માત્ર એક જ અરજી કરી શકશે, પણ જો કોઈ વિદ્યાર્થી એકથી વધારે અરજી કરશે તો તેની સામે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા સખત કાર્યવાહી કરાશે. એનટીએની ગાઇડલાઇનનું પાલન ન કરનારા વિદ્યાર્થીઓને અયોગ્ય જાહેર કરાશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

જેઈઈ મેઇન સેશન-1 પરીક્ષા માટેની ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટના માધ્યમથી જ કરી શકાશે. સેશન-1 પરીક્ષામાં ગત વર્ષે 14 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા, જ્યારે વર્ષ 2019માં  929198, વર્ષ 2020માં  921261, વર્ષ 2021માં  709611, વર્ષ 2022માં  860000, વર્ષ 2023માં  1160000 અને વર્ષ 2024માં પણ  14 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે 2025માં લેવાનારી જેઈઈની પરીક્ષામાં પણ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાય એવી શક્યતા છે. જેઈઈ મેઇન-2025ની પરીક્ષામાં 300માંથી 300નો સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક 1 અપાશે. અગાઉ 2021માં આમ થઈ ચૂક્યું છે. આ વર્ષે જેઈઈ મેઇનનું પ્રથમ સેશન 22મીથી 31 જાન્યુઆરી દરમિયાન આયોજિત કરવામાં આવ્યું છે. જ્યારે જેઈઈ મેઇન સેશન-2ની પરીક્ષા 31મી જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી 2025 દરમિયાન લેવામાં આવશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તરફથી જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓએ તેમની ઓનલાઇન અરજીમાં પોતાનો અને વાલીનો મોબાઇલ ફોન નંબર કે ઇમેલ એડ્રેસ લખવાનાં રહેશે. એનટીએ તમામ વિગતો રજૂ કરેલી ઇમેલ એડ્રેસ કે મોબાઇલ ફોન નંબર પર એસએમએસના માધ્યમથી રજૂ કરશે. જેઈઈ મેઇન 2025 સંબંધિત સ્પષ્ટીકરણ માટે વિદ્યાર્થીઓ www.nta.ac.in પર સંપર્ક કરી શકશે. વિદ્યાર્થીઓ કોઈ પણ મૂંઝવણ હોય તો https.//jeemain.nta.nic.in પરથી સંપર્ક કરી માહિતી મેળવી શકશે.