Site icon Revoi.in

PNB સ્કેમ: મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે હવે ભારત સરકારે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાયતા લીધી

Social Share

નવી દિલ્હી: પીએનબી બેંક સ્કેમના કૌંભાડી અને ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સરકારે આ માટે હવે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાય લીધી છે. ડોમિનિકાની કોર્ટમાં હરિશ સાલ્વે ભારતનો કેસ લડે તેવી પણ સંભાવના છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હાલમાં સરકાર મેહુલ ચોક્સીના નામે હરિશ સાલ્વે પાસે કાનૂની અડચણો અને કાયદાકી દાવપેચને સમજી રહી છે. સૂત્રોનુસાર, ડોમિનિકન કોર્ટમાં હરિશ સાલ્વે ભારતનો પક્ષ રજૂ કરે તેવી સંભાવના છે. અત્યારે ચોક્સી સામે ડોમિનિકન કોર્ટમાં ગેરકાયદેસર પ્રવેશ અંગે સુનાવણી ચાલી રહી છે.

આ અંગે હરિશ સાલ્વેએ કહ્યું હતું કે, મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને લઇને ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. કેસ સાથેની જે જાણકારી છે તે સરકાર સાથે શેર કરવામાં આવી રહી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ડોમિનિકન કોર્ટમાં ભારત સરકાર કોઇ પક્ષકાર નથી પણ માત્ર ડોમિનિકા સરકાર અને પ્રશાસનની મદદ કરી રહ્યું છે.

સાલ્વેએ વધુમાં ઉમેર્યું હતું કે, જો ડોમિનિકાની કોર્ટમાં જો ભારતને સુનાવણીની તક અપાશે અને ત્યાંના એટોર્ની જનરલ ત્યાંની કોર્ટમાં મને દલીલ કરવા માટે પરવાનગી આપશે તો હું ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. સાલ્વે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કેસ લડવાની નવી વાત નથી. આ પહેલા પણ તેઓ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં કુલભૂષણ જાધવાના કેસમાં પાકિસ્તાન સામે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં મેહુલ ચોક્સી ડોમિનિકાની જેલમાં છે. ગત મહિને ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આ હતી. ડોમિનિકાની કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી દીધી હતી. ચોક્સીના વકીલોએ હવે આ માટે હાઇકોર્ટમાં અપીલ કરી છે.