ભારતે હવે રહેવું પડશે એલર્ટ, કાશ્મીરમાં આતંકીઓ પાસેથી મળ્યા અમેરિકી સૈન્યના હથિયારો
- ભારત માટે ખતરાની ઘંટી
- આતંકીઓ પાસે અમેરિકી હથિયાર પહોંચ્યા
- તાલિબાનીઓની કરતૂત
નવી દિલ્હી: ગત વર્ષે ઓગસ્ટ, 2021 દરમિયાન 20 વર્ષ બાદ અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનને છોડ્યું હતું. અમેરિકાનું છેલ્લું વિમાન અમેરિકન કમાન્ડર અને રાજદૂતને લઇને અફઘાનિસ્તાનથી ઉડ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યએ એક્ઝિટ તો કરી પરંતુ હથિયાર ત્યાંજ રાખી દેવાની મોટી ભૂલ કરતા ગયા. હવે તાલિબાનીઓ આ ભૂલને જ પોતાનું હથિયાર બનાવી રહ્યા છે અને આ હથિયારોને આતંકીઓને વેચીને તાલિબાને પોતાનો અસલી રંગ દેખાડ્યો છે.
તાલિબાનીઓ પોતે આતંકીઓ હોવાનો પુરાવો આપવાનું ક્યારેય છોડતા નથી. કાશ્મીરમાં આતંકીઓ પાસે અમેરિકી સૈન્યના હથિયાર મળ્યા છે. ISI આ હથિયારોને કાશ્મીરમાં આતંકીઓને મોકલી રહ્યું છે. અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડતાં જ તાલિબાન હવે ચીન અને ISIને સૈન્ય હથિયાર વેચી રહ્યું છે.
આતંકી સંગઠનોએ કેટલાક આતંકીઓના હથિયારની સાથે પણ ફોટો અપલોડ કર્યા છે. વળી આતંકીઓએ એવો પણ દાવો કર્યો છે કે, પૂંછમાં થયેલા હુમલામાં આતંકીઓએ અમેરિકી સૈન્યના હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ખુંખાર તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો હતો અને ત્યાર બાદ અમેરિકી સેનાને પીછેહટ કરવી પડી હતી અને અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યએ અમેરિકા વાપસી કરી હતી. જો કે અમેરિકી સેના પરત ફરી ત્યારે અફઘાનિસ્તાનમાં 80 મિલિયન અમેરિકી ડૉલરના હથિયાર છોડીને ગઇ હતી. જેમાં 6 લાખથી વધુ મશીન ગન, પિસ્તોલ, ગ્રેનેડ લૉંચર જેવા હથિયારો સામેલ છે.