- જેજી ક્રોફર્ડ ઓરેશન 2021ને વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધિત કરી
- અમેરિકાને મહાસત્તા બની રહેવામાં ફાંફા પડી રહ્યા છે
- ચીનની વધી રહેલી તાકાત વિશ્વ માટે પડકાર બની શકે છે
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યું હતું તેમજ ભારત અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
વિશ્વ આંતરરાષ્ટ્રીય સંબંધોના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. ચીન અંગે કહ્યું હતું કે, ચીનની તાકાત વધી રહી છે જે વિશ્વ માટે મોટો પડકાર બની શકે છે. જ્યારે બીજી તરફ અમેરિકાને મહાસત્તા તરીકે ટકી રહેવા માટે ફાંફા પડી રહ્યા છે.
આગામી દિવસોમાં ચીનની વધતી શક્તિ વૈશ્વિક શક્તિની તુલનાએ વધુ મહેસૂસ કરાશે. જે એક મોટો પડકાર બની રહેશે. જેજી ક્રોફર્ડ ઓરેશન 2021ને સંબોધિત કરતી વખતે તેઓએ આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં ઇંડો-પેસિફિક આંતરરાષ્ટ્રીય રણનીતિના મુળમાં હશે. તેમણે સાથે અમેરિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલ વૈશ્વિક શક્તિ તરીકે અમેરિકા મોટા સંઘર્ષનો સામનો કરી રહ્યો છે.
વિદેશ મંત્રીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગેનો ઉલ્લેખ કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વર્ષ 1988માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ચીન ગયા હતા. તે સમયે પણ સરહદે શાંતિ પર વાતચીત થઇ હતી. બન્ને દેશોએ વિવિધ સમજૂતીઓ કરી અને આગળ વધ્યા હતા. જેનાથી વિશ્વાસ પેદા થયો હતો.
ચીન સાથેના સંબંધો અંગે કહ્યું હતું કે ચીન સાથે વર્ષોથી સંબંધો શાંતિપૂર્ણ હતા પરંતુ ગત વર્ષે મોટી સંખ્યામાં ચીની સૈનિકો સરહદે આવી જતા ભારતે તેનો વિરોધ કર્યો ત્યારે બંને સેના વચ્ચે ઘર્ષણ થયું હતું અને બંને પક્ષોએ સૈનિકોની શહાદત થઇ હતી. હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરીથી સૂમેળ લાવવો એ એક પડકાર છે.