- દેશની થલસેનાએ દેશને ત્રણ નવી કોવિડ હોસ્પિટલ સમર્પિત કરી
- આ ત્રણ હોસ્પિટલ અનુક્રમે, ચંદીગઢ, ફરિદાબાદ તેમજ પટિયાલામાં ખોલવામાં આવી છે
- સ્થાનિક પ્રશાસન સાથે સંયુક્તપણે કામગીરી હાથ ધરીને આ હોસ્પિટલનું નિર્માણ કરાયું
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હાલમાં દેશમાં અનેક વિસ્તારોમાં તાત્કાલિક કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની માંગ ઉઠી છે ત્યારે આ જ માંગને ધ્યાનમાં રાખીને દેશની થલસેનાએ વિવિધ જગ્યા પર કોવિડ હોસ્પિટલ ખોલવામાં આવી છે. સેનાની પશ્વિમી કમાને આ ત્રણ હોસ્પિટલને દેશને સમર્પિત કરી હતી. આ ત્રણ હોસ્પિટલ અનુક્રમે, ચંદીગઢ, ફરિદાબાદ તેમજ પટિયાલામાં ખોલવામાં આવી છે.
કોવિડ હોસ્પિટલની માંગને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન સાથે સંયુક્તપણે કામગીરી હાથ ધરીને આ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે તેવું ભારતીય સેનાની પશ્વિમી કમાને જણાવ્યું હતું. આ ત્રણેય હોસ્પિટલમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરાશે. આ ત્રણેય હોસ્પિટલમાં સેનાના જ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત રહેશે.
ICMRની ગાઇડલાઇન પ્રમાણે ત્રણ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. આ ત્રણેય હોસ્પિટલમાં લેબ, એક્સરે તેમજ ફાર્મસીની જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ ત્રણેય હોસ્પિટલમાં દેશના તમામ નાગરિકો સારવાર કરાવી શકશે. જો કે આ હોસ્પિટલોમાં વોક ઇન એડમિશન નહીં મળે, સારવાર માટે જે તે જીલ્લાના ચીફ મેડિકલ ઓફિસરનો સંપર્ક સાધવાનો રહેશે.
નોંધનીય છે કે, પંજાબ યુનિવર્સિટીની સ્ટેડિયમની અંદર 100 બેડની હોસ્પિટલ શરૂ થઇ ગઇ છે. આ સિવાય ફરીદાબાદના અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજમાં પણ 100 બેડની તથા પંજાબના પટિયાલામાં રાજેન્દ્ર ગર્વમેન્ટ કોલેજમાં સૈન્ય હોસ્પિટલ શરૂ થશે.
(સંકેત)