Site icon Revoi.in

શ્રીનગર-કારગીલ જોડાણ માટે મહત્વપૂર્ણ ઝોજિલા ટનલનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રસ્તાવ: નીતિન ગડકરી

Social Share

નવી દિલ્હી: દેશમાં અત્યારે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આકાર લઇ રહ્યા છે અને આ દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સથી દેશના વિકાસની ગતિને પણ વેગ મળશે. આ જ દિશામાં અથ્યારે સોનમાર્ગથી દ્રાસને જોડતી ઐતિહાસિક ઝોજિલા ટનલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને વર્ષ 2024 સુધીમાં આ ટનલનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. એક ટ્વીટના માધ્યમથી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી હતી. આ ટનલની લંબાઇ 14.5 કિલોમીટર છે.

અગાઉ ટનલનું નિર્માણ વર્ષ 2026 સુધી પૂર્ણ કરવાનું આયોજન હતું. જો કે આ વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. જે પછી હવે વર્ષ 2024 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.

અત્યાર સુધી શ્રીનગરથી કારગીલનું અંતર કાપવામાં અંદાજે 3.5 કલાકનો સમય લાગતો હતો, પરંતુ આ ટનલનું નિર્માણ પૂર્ણ થયા બાદ 3.5 કલાકની મુસાફરી માત્ર 15 મિનિટમાં પૂર્ણ થશે. અહીંયા આ ટનલના તાર ઇતિહાસ સાથે પણ જોડાયેલા છે કારણ કે અંગ્રેજોના સમયથી તેના પર વિચાર વિમર્શ થઇ રહ્યો હતો પરંતુ તેને હકીકતમાં આકાર નહોતો આપી શકાયો.

શિયાળા દરમિયાન હિમવર્ષા અને હિમપ્રપાતને કારણે 6-7 મહિના ઝોજિલા પાસે બંધ રહે છે. જો કે એકવાર બાંધકામ પૂર્ણ થયા બાદ શ્રીનગર અને કારગિલ વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન જોડાણ સુનિશ્વિત થઇ જશે. આ વિસ્તાર નિયંત્રણ રેખાની નજીક હોવાને કારણે સુરંગને કારણે સેના ટૂંક સમયમાં LoC સુધી સરળતાપૂર્વક પહોંચી શકશે અને સૈન્ય સાધનોની અવરજવર પણ શક્ય બનશે.