ટ્વિટર અંતે ભારત સરકાર સામે ઝુક્યું, ભારતમાં વિનય પ્રકાશની નિવાસી ફરિયાદી અધિકારી તરીકે કરી નિમણૂંક
- બેકફૂટ પર આવ્યું ટ્વિટર
- ભારતમાં વિનય પ્રકાશની નિવાસી ફરિયાદી અધિકારી તરીકે કરી નિમણૂંક
- કંપનીએ પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપી
નવી દિલ્હી: ભારત સરકારના કડક વલણ સામે અંતે ટ્વિટર ઝૂક્યું છે. તેણે ભારતના નવા આઇટી કાયદાનો સ્વીકાર કર્યો છે. આ કાયદા હેઠળ ટ્વિટરે વિનય પ્રકાશની ભારત માટે નિવાસી ફરિયાદી અધિકારીની નિમણૂંક કરી છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપી છે.
આપને જણાવી દઇએ કે ભારત સરકારના નવા આઇટી કાયદા હેઠળ 50 લાખથી વધૂ યૂઝર્સ ધરાવતી સોશિયલ મીડિયા કંપનીઓએ 3 મહત્વપૂર્ણ નિમણૂંક – મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ અધિકારી તેમજ ફરિયાદી અધિકારીની નિમણૂંક કરવાની આવશ્યક હોય છે. આ સાથે જ ત્રણેય અધિકારી ભારતના નિવાસી હોવા પણ જરૂરી છે.
ટ્વિટરની વેબસાઇટ અનુસાર હવે વિનય પ્રકાશ કંપનીના નવા નિવાસી ફરિયાદી અધિકારી હશે અને યૂઝર્સ પેજ પર આપવામાં આવેલી વેબસાઇટથી તેનો સંપર્ક થઇ શકે છે. સાથે જ તેમના અધિકારીના સંપર્ક માટે બેંગ્લુરુનું સરનામું અપાયું છે. અગાઉ ટ્વિટરે ધર્મેન્દ્ર ચતુરને પોતાના નિવાસી ફરિયાદી અધિકારી બનાવ્યા હતા પંરતુ તેઓએ એક મહિનામાં જ રાજીનામું આપી દીધું હતું.
ટ્વિટરના ભારતમાં આશરે 1.75 કરોડ યૂઝર્સ છે. નવા સોશિયલ મીડિયા નિયમોને લઈને ટ્વિટરનો ભારત સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે. એટલે કે હવે ટ્વિટરને કન્ટેન્ટને લઈને સરકાર તરફથી કોઈ સુરક્ષા આપવામાં આવશે નહીં અને યૂઝર્સ દ્વારા ગેરકાયદેસર સામગ્રી અપલોડ કરવા માટે તે જવાબદાર હશે.