Site icon Revoi.in

આધાર કાર્ડનો દુરુપયોગ કરનારની ખૈર નથી, હવે UIDAI કરશે આકરી કાર્યવાહી

Social Share

નવી દિલ્હી: હવે કોઇપણ આધાર કાર્ડનો દુરુપયોગ કરે તો તેને ભારે પડશે. હકીકતમાં, સરકારે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાને આધાર એક્ટનું ઉલ્લંઘન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની સત્તા આપી છે. આ નિયમો હેઠળ UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવી કરવા અધિકારીઓની નિમણૂક કરી શકે છે.

UIDAIના સૂચનાઓનું પાલન ન કરવાના કિસ્સામાં ફરિયાદ કરી શકાય છે. UIDAI દ્વારા નિયુક્ત અધિકારીઓ આવા કેસોનો નિર્ણય કરશે અને આવી સંસ્થાઓ પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે. ટેલિકમ ડિસ્પ્યૂટ્સ સેટલમેન્ટ અને એપલેટ ટ્રિબ્યુનલ આ નિર્ણયો સામે અપીલ કરી શકે છે.

સરકાર આધાર અને અન્ય કાયદા (સુધારા) અધિનિયમ, 2019 લાવી હતી જેથી UIDAI પાસે પગલાં લેવાની સત્તા હોય. હાલના આધાર કાયદા હેઠળ, UIDAI પાસે આધાર કાર્ડનો દુરુપયોગ કરતી સંસ્થાઓ સામે પગલાં લેવાની સત્તા નથી. વર્ષ 2019માં પસાર થયેલા કાયદામાં દલીલ કરવામાં આવી હતી કે, ‘ગોપનીયતાના રક્ષણ માટે અને UIDAIની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે.’ આ પછી નાગરિક દંડની જોગવાઈ માટે આધાર એક્ટમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું હતું.

નિયમોમાં કહેવામાં આવ્યું છે કે નિર્ણય લેનાર અધિકારી ભારત સરકારના સંયુક્ત સચિવના રેન્કથી નીચેનો ન હોવો જોઈએ. તેની પાસે 10 વર્ષ કે તેથી વધુ કામનો અનુભવ હોવો જોઈએ. ઉપરાંત, તેને કાયદાના કોઈપણ વિષયમાં વહીવટી અથવા તકનીકી જ્ઞાન હોવુ જોઇએ. ઉપરાંત, તેની પાસે મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમર્સમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

નોંધનીય છે કે, UIDAI તેના એક અધિકારીને પ્રેઝન્ટિંગ ઓફિસર તરીકે નોમિનેટ કરી શકે છે. તે ઓથોરિટી વતી અધિકારી સમક્ષ મામલો રજૂ કરશે. નિર્ણાયક અધિકારી, નિર્ણય લેતા પહેલા, કથિત રીતે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અથવા સંસ્થાને નોટિસ પાઠવશે. આ પછી, સંબંધિત સંસ્થાએ તેના પર શા માટે દંડ ન લગાવવો જોઈએ તેના કારણો આપવા પડશે.