Site icon Revoi.in

રેલવેના 11 લાખ કર્મચારીઓને લ્હાણી, મોદી સરકાર 78 દિવસનું બોનસ આપશે

Social Share

નવી દિલ્હી: તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે ભારતીય રેલવેના ગેઝેટેડ કર્મચારીઓને મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓને દિવાળીના તહેવારો દરમિયાન 78 દિવસનું બોનસ અપાશે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આમ તો ગણતરીના આધાર પર 72 દિવસનું બોનસ અપાય છે, પરંતુ આ વખતે 6 દિવસનું વધારાનું બોનસ અપાશે.

સરકારના આ નિર્ણયથી 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓ લાભાન્વિત થશે. તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે. અતિ વિષમ સંજોગો હોવા છતાં સરકારે આ નિર્ણય લીધો છે. ટેક્સટાઇલ મંત્રાલય સાથે જોડાયેલા નિર્ણયની પણ અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી. તેમાં પાંચ વર્ષમાં 4445 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજનાથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને મોટા ફેરફારની આશા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએમ મિત્ર યોજનામાં 7 મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીજનલ એન્ડ અપેરલ પાર્ક તૈયાર કરાશે. તેનાથી 7 લાખ લોકોને પ્રત્યક્ષ અને 14 લાખ લોકોને અપ્રત્યક્ષ રોજગારી મળવાની આશા છે. આ યોજનાને લઇને 10 રાજ્યોએ ઇચ્છા દર્શાવી છે.