- દિલ્હીમાં વેક્સિન ના લેનારા કર્મચારીઓ વિરુદ્વ લેવાશે કડક પગલાં
- જો વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહીં હોય તો થઇ શકે છે જેલ
- તે ઉપરાંત જેલ અને દંડ બંને પણ થઇ શકે છે
નવી દિલ્હી: કોરોના સંક્રમણથી બચવા માટે કોવિડ વેક્સિન સૌથી અસરકારક શસ્ત્ર છે ત્યારે હવે દિલ્હી સરકાર કોવિડ વેક્સિન ના લેનારા તેના કર્મચારીઓને કોઇ રાહત આપવાના મૂડમાં નથી. અગાઉ 15 ઑક્ટોબર સુધી વેક્સિનનો એક પણ ડોઝ નહીં લેનારા કર્મચારીઓને સરકાર પહેલા જ 16 ઑક્ટોબરથી ઓફિસમાં પ્રવેશબંધી કરી છે.
હવે અધૂરામાં પૂરું સરકારે એવી ચેતવણી આપી છે કે, વેક્સિન નહીં લેનારા સરકારી કર્મચારીઓ જેલ જવા માટે તૈયાર રહે. 8 ઑક્ટોબરના રોજ દિલ્હીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આદેશ આપ્યો હતો કે, દિલ્હી સરકારના કર્મચારીઓ, સ્વતંત્ર સંસ્થાઓ, પીએસયુ, સ્થાનિક એકમો અને સરકાર હેઠળ શિક્ષણ સંસ્થાઓ માટે 15 ઑક્ટોબર સુધી કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવો અનિવાર્ય છે.
જો કે સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં પણ હજુ 2 લાખ કર્મચારીઓએ અત્યાર સુધી વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. આ વેક્સિન ના લેનારા કર્મચારીઓને કામ પર પણ રોક લગાવાઇ છે.
આદેશનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓને ળઇને પણ ડાયરેક્ટોરેટ ઑફ ટ્રેનિંગ એન્ડ ટેકનિકલ એજ્યુકેશને જણાવ્યું હતું કે, DDMAના આદેશનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ ડીડીએમએના આદેશોનું પાલન નહીં કરતા જણાય તો તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 થી લઇને 60 મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
તે ઉપરાંત કાયદાની કલમ 51 (b) હેઠળ જો કોઈ કર્મચારી કોઈ પણ તાર્કિક કારણોસર આ કાયદા હેઠળ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલ આદેશને નહીં માને તો તેને 1 વર્ષની જેલ, દંડ અથવા બંને સજા પણ થવાની સંભાવના છે.