Site icon Revoi.in

યુપી વિધાનસભા ચૂંટણી 2022: ભાજપમાંથી ધડાધડ રાજીનામા, હવે શિકોહાબાદના આ ધારાસભ્યએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. ભાજપની મુશ્કેલી જો કે વધી રહી છે. ભાજપમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યાં છે. હવે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ પણ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. છેલ્લા 3 દિવસમાં 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે.

રાજીનામું આપ્યા બાદ શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે, ભાજપ સરકાર દ્વારા દલિત, પછાત તેમજ લઘુમતી સમુદાયના નેતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. સરકારમાં ખેડૂતો, બેરોજગારો અને નાના વેપારીઓની ઉપેક્ષા કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી ભાજપમાંથી એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. અગાઉ બુધવારે OBC નેતા દારા સિંહ ચૌહાણે યોગી આદિત્યનાથની કેબિનેટમાંથી રાજીનામું ધરી દીધું હતું.

બીજી તરફ જો કે કોંગ્રેસ અને સપાના ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય અવતાર સિંહ ભડાનાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપીને રાષ્ટ્રીય લોકદળમાં જોડાયા છે.