Site icon Revoi.in

યુપી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે યોગી આદિત્યનાથ, બેઠક અંગે પક્ષ નિર્ણય લેશે

Social Share

નવી દિલ્હી: આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે વિધાનસભા ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. જો કે તે કઇ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે પાર્ટી નિર્ણય લેશે.

અગાઉ શનિવારે ડિનર દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં 300 બેઠકો લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પૂર્ણ બહુમતથી બીજી વખત ભાજપ સરકાર બનાવશે તેવું પણ કહ્યું હતું.

મહત્વનું છે કે, યોગી આદિત્યનાથ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગોરખપુરથી સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. બાદમાં તેઓ વિધાન પરિષદના સભ્ય બન્યા હતા.

યોગી આદિત્યનાથે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ચૂંટણીમાં ઝંપલાવવાની યોજના પર વાત કરી હતી કે, તેઓ ચૂંટણી લડવા જઇ રહ્યા છે અને તેઓ કઇ બેઠક પરથી લડશે તેનો નિર્ણય પક્ષ લેશે. કોવિડથી ડરવાની જરૂર નથી. ચૂંટણી સમયસર જ થવી જોઇએ.

નોંધનીય છે કે, મથુરાના સાંસદ હેમા માલિની ઇચ્છે છે કે, યોગી આદિત્યનાથ મથુરાથી વિધાનસભા ચૂંટણી લડે. જો કે યોગી આદિત્યનાથે કહ્યું કે, મથુરાથી ચૂંટણી લડવાનો તેમનો કોઇ ઇરાદો નથી. પરંતુ પાર્ટી કહેશે ત્યાંથી ચૂંટણી લડવામાં આવશે.