- ઉત્તરપ્રદેશમાં પીએનબી કરતા પણ મસમોટા કૌભાંડનો પર્દાફાશ
- બાઇક બોટ કૌભાંડથી દેશના રોકાણકારોને 15000 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો
- બાઇક ટેક્સી સેવાની આડમાં આ કૌભાંડને અંજામ અપાયો
નવી દિલ્હી: દેશમાં કૌભાંડો થવા હવે જાણે સામાન્ય થઇ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે પંજાબ નેશનલ બેંક કરતા પણ મસમોટુ કૌંભાડ સામે આવ્યું છે. યુપીમાં આ કૌભાંડ સામે આવ્યું છે. CBIએ 15000 કરોડ રૂપિયાના બાઇક બોટ કૌભાંડ માટે એક FIR દાખલ કરી છે. FIRમાં એવો આરોપ છે કે ઉત્તર પ્રદેશ સ્થિત બાઇક બોટના મુખ્ય એમડી સંજય ભાટીએ 14 અન્ય લોકો સાથે સાંઠગાંઠ કરીને દેશના અનેક રોકાણકારો સાથે 15000 કરોડ રૂપિયા સુધીની છેતરપિંડી કરી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, આરોપીએ લોકોને છેતરવા માટે અને રોકાણકારોને ફસાવવા માટે બાઇક ટેક્સી સેવાની આડમાં બાઇક બોટના નામથી લોભામણી રોકાણ યોજનાઓ બનાવી હતી. જેમાં એક ગ્રાહક 1,3,5 અથવા 7 બાઇકમાં રોકાણ કરી શકતો હતો.
રોકાણકારોને એ રીતે છેતરવામાં આવતા હતા કે તેઓને માસિક ભાડુ, EMI, બોનસ, ઇન્સેન્ટિવ જેવી લાલચ અપાતી હતી. કંપનીએ આ માટે વિભિન્ન શહેરોમાં ફ્રેન્ચાઇઝી પણ આપી હતી પરંતુ શહેરોમાં બાઇક અને ટેક્સીઓનું સંચાલન ખૂબ મુશ્કેલીથી થતું હતું.
આ કૌભાંડના તાર છેક 2017માં જાય છે જ્યારે આ યોજનાઓ શરૂ કરાઇ હતી અને રોકાણકારો પાસેથી નાણા મેળવવામાં આવ્યા હતાં. રોકાણકારોને વર્ષ 2019 સુધી વળતર આપવાનું ચાલુ રખાયું હતું.
નવેમ્બર, 2018માં કંપનીએ ઇ બાઇક માટે આવા જ પ્રકારની યોજના જારી કરી હતી. ઇ બાઇકની સભ્ય બનવાની રકમ નિયમિત પેટ્રોલ બાઇક માટેની રોકાણ રકમ કરતા બમણી હતી. રોકાણકારોની ફરિયાદો નોઇડા એડમિનિસ્ટ્રેશનની સાથોસાથ પોલીસ અધિકારીઓને મળી હોવા છતાં આ મામલે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.