- યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની તડામાર તૈયારી
- યુપીમાં બેઠકની વહેંચણીને લઇને યોજાઇ મીટિંગ
- અપના દળને 14 અને નિષાદ પાર્ટીને 17 બેઠકો મળશે
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપે પણ હવે ત્યાં ચૂંટણીને લઇને કમર કસી છે. ભાજપે ત્યાં બધી બેઠકો માટે વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી છે.
ઉત્તરપ્રદેશમાં ભાજપ અને તેના સહયોગી પક્ષો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. સૂત્રો અનુસાર અપના દળને 14 અને નિષાદ પાર્ટીને 17 બેઠકો મળશે. બાકીની બેઠકો પર ભાજપ પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
ગઇકાલે મોડી રાત્રે બેઠક વહેંચણીને લઇને બેઠક થઇ હતી. આ બેઠકમાં અપના દળે 25 તેમજ નિષાદ પાર્ટીએ 30 બેઠકોની માંગ કરી હતી. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં હવે અપના દળને 14 તેમજ નિષાદ પાર્ટીને 17 બેઠક વહેંચવાનો નિર્ણય લેવાયો છે.
બીજી તરફ દિલ્હીમાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે. યુપી સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને છેલ્લા બે દિવસથી ભાજપમાં સતત ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે.
આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને યુપી સંગઠન મહાસચિવ સુનીલ બંસલ પણ હાજર છે.
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 તેમજ 7 માર્ચે મતદાન થશે. જ્યારે 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે.