UP ELECTIONS 2022: કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, 16 મહિલા ઉમેદવારોને તક આપી
- યૂપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યું
- 41 ઉમેદવારોમાંથી 16 મહિલાઓને તક આપી
- અગાઉ જાહેર કરેલી યાદીમાં 50 મહિલા ઉમેદવારોને સ્થાન આપ્યું હતું
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસના 41 ઉમેદવારોના આ લિસ્ટમાં 16 મહિલા ઉમેદવાર છે. કોંગ્રેસે કૈરાનાથી હાજી અખલાકને ટિકિટ આપી છે. તે ઉપરાંત મેરઠથી રંજન શર્મા, આગ્રા કેટથી સિકન્દર વાલ્મીકી અને માંટથી સુમન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ જાહેર કરેલી યાદીમાં 50 મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસે બેઠક માટે જે મોટી ટિકિટની વહેંચણી કરી છે તેમાં સલમાન ખુર્શીદની પત્ની લુઇસ ખુર્શીદ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લૂ અને પ્રતાપગઢની રામપુરખાસ સીટથી આરાધાના મિશ્રા મોનાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે ઉપરાંત સદફ જાફરને પણ ઉમેદવાર બનાવાયા છે. ઉન્નાવ સામૂહિક દુષ્કર્મ કેસની પીડિતાની માતાને પણ ટિકિટ અપાઇ છે.
દેશના 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં આગામી મહિનાથી વિધાનસભા ચૂંટણી થવાની છે. ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી થશે. યૂપીમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત 10 ફેબ્રુઆરીએ થશે અને છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.
મહત્વનું છે કે, પંજાબમાં પહેલા મતદાનની તારીખ 14 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી હતી. હવે તેને બદલીને 20 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. સંત રવિદાસ જયંતીના કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. લગભગ તમામ રાજકીય પક્ષોએ મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી.