- લખીમપુર ખેરી હિંસા કેસમાં આશિષ મિશ્રાની મુશ્કેલી વધી
- કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- આશિષ મિશ્રાની મેડિકલ તપાસ કરાશે
નવી દિલ્હી: લખીમપુર ખેરી હિંસા કેસના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે કોર્ટે કથિત આરોપી આશિષ મિશ્રાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેટલીક શરતો પણ લગાવાઇ છે. જે મુજબ આશિષ મિશ્રાની મેડિકલ તપાસ કરાશે. તેમજ પૂછપરછ દરમિયાન કોઇ દબાણ કરવામા આવશે નહીં.
અગાઉ, યુપી પોલીસની વિશેષ તપાસ ટીમે શનિવારે 12 કલાકની પૂછપરછ બાદ લખીમપુર ખેરી હિંસાના કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી.
આ બાદ આશિષ મિશ્રાની વધુ પૂછપરછ માટે યુપી પોલીસે કસ્ટડી વધારવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પોલીસની અરજી પર સુનાવણી માટે 11 ઑક્ટોબરની તારીખ નક્કી કરી હતી. અગાઉ આશિષ મિશ્રાની પણ મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને મધ્યરાત્રિ બાદ તેમને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા.
નોંધનીય છે કે, રવિવારે વિપક્ષી પાર્ટીઓએ લખીમપુરની ઘટનાને (Lakhimpur Incident) લઈને શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવાની પણ માંગ ઉઠાવી હતી.