ઉત્તરાખંડ: વિકરાળ આગથી 63 હેક્ટર જંગલ ખાક: આગને કાબૂમાં લેવા માટે NDRFની ટીમ મોકલવામાં આવી
- ઉત્તરાખંડના જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે
- અહીંયા છેલ્લા 2 કલાકમાં 5 નવા જંગલોમાં આગ લાગી છે
- આગની ચપેટમાં આવીને 63 હેક્ટર જંગલ બળીને ખાખ થઇ ગયું છે
નવી દિલ્હી: ઉત્તરાખંડના જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીંયા છેલ્લા 2 કલાકમાં 5 નવા જંગલોમાં આગ લાગી છે. આગની ચપેટમાં આવીને 63 હેક્ટર જંગલ બળીને ખાખ થઇ ગયું છે. આગને કાબૂમાં લેવા માટે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કેન્દ્ર પાસેથી મદદ માંગી છે. મામલાની ગંભીરતા જોતા કેન્દ્રએ બે હેલિકોપ્ટર તેમજ NDRFના જવાનોને ઉત્તરાખંડ મોકલ્યા છે.
હકીકતમાં, કોર્બેન નેશનલ પાર્કમાં જંગલમાં પણ આગનો ખતરો વધ્યો છે. શનિવાર રાત સુધી રામનગર વન વિસ્તાર પાસે આગ લાગી હતી. પશ્વિમ વન વિસ્તારના સાવલ્દે, હલ્દુઆ તેમજ કાશીપુર રેંજમાં જંગલ બળી ગયા હતા.
ઉત્તરાખંડના મંત્રી રાવતે જણાવ્યુ કે રાજ્યમાં 964 જગ્યાઓ પર આગ લાગી છે. પ્રતિકૂળ હવામાને સ્થિતિને વધુ ગંભીર બનાવી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત હાલ આ મામલે સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે. NDRF અને હેલિકોપ્ટર દ્વારા આગને કાબૂમાં લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.
મુખ્યમંત્રીએ બોલાવેલી ઇમરજન્સી બેઠકમાં વન અધિકારીઓ તેમજ જીલ્લા અધિકારીઓને નિર્દેશ અપાયો છે કે જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ના આવે, ત્યાં સુધી તે લોકોને રજા નહીં મળે. આગને કાબૂમાં લેવા માટે 12,000થી વધુ વન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વન વિભાગના આંકડા અનુસાર 1 ઑક્ટોબર, 2020 બાદથી 1359 હેક્ટર જંગલમાં આગની 1028 જેટલી ઘટનાઓ બની છે. આ દુર્ઘટનાઓ મોટા ભાગે નૈનિતાલ, અલ્મોડા, ટિહરી ગઢવાલ જેવા વિસ્તારોમાં બની છે.
(સંકેત)