- ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મોટો ફેરફાર કર્યો
- મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
- મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી રાજીનામું સોંપ્યું
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મોટા ફેરફાર કર્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનની અટકળો પર અંત આવી ગયો છે. મુખ્યમંત્રીએ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોંપ્યું છે.
જો ઉત્તરાખંડ વિધાનસભાની વાત કરીએ તો ત્યાં કુલ ધારાસભ્યોની સંખ્યા 70 છે, જ્યારે ભાજપની પાસે 56 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 11 અને બે અપક્ષ ધારાસભ્યો છે. જ્યારે એક સીટ હાલ ખાલી છે. તેવામાં ભાજપ સરકાર પર કોઈ ખતરો નથી, પરંતુ પાર્ટીમાં ચાલી રહેલી નારાજગી સંકટનો વિષય છે.
ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામુ આપી દીધુ છે. હવે આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા ચાલી રહી છે. તેવામાં મુખ્યમંત્રી બનવા માટે મંત્રી ધનસિંહ રાવત, મંત્રી સતપાલ મહારાજ, સાંસદ અજય ભટ્ટ, સાંસદ અનિલ બલૂનીનું નામ ચર્ચામાં છે. આ સિવાય રાજ્યમાં જાતિ સમીકરણને જોતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પણ અપનાવવામાં આવી શકે છે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી ધારાસભ્યોની બેઠક બોલાવી છે, જેમાં રાજ્યમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી શકે છે. બુધવારે સવારે 11 કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. પાર્ટી તરફથી રમન સિંહ અને દુષ્યંત ગૌતમને ઓબ્ઝર્વર તરીકે દહેરાદૂન મોકલવામાં આવશે.
(સંકેત)