- ભારતે ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો
- ભારતમાં 150 કરોડથી વધુ રસીનો ડોઝ અપાયો
- પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી: ભારતે આજે રસીકરણ મામલે વધુ એક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. દેશમાં અત્યારસુધીમાં 150 કરોડથી વધુ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
શુક્રવારે ભારતે આ સિદ્વિ પ્રાપ્ત કરી છે. આ સાથે, દેશમાં હવે 62 કરોડથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
રસીકરણની આ અદ્દભુત સિદ્વિ પર પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશે વધુ એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે. દેશમાં વર્ષની શરૂઆત 15-18 વર્ષની વયના બાળકોને રસીકરણ સાથે કરવામાં આવી છે. આજે, વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ભારતે 150 કરોડ વેક્સિન ડોઝનો ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો માટે આ આશ્ચર્યથી ઓછું નથી. ભારત માટે તે નવી ઇચ્છા શક્તિનું પ્રતિક છે. જે અસંભવને સંભવ બનાવવા માટે કંઇપણ કરવાની હિંમત અને મક્કમતા ધરાવે છે.
નોંધનીય છે કે, દેશમાં 87 કરોડ 9 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. તો 62 કરોડ 10 લાખથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધુની ઉંમર 34 કરોડ 98 લાખ લોકોનું રસીકરણ થયું છે.
તો દેશમાં કિશોરોને પણ ખૂબ જ ઝડપથી વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ કિશોરને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે.