- કોરોના પર નિયંત્રણ મેળવવા અંગે અદાર પૂનાવાલાની સલાહ
- રસી લેવાનો ખચકાટ એ કોવિડ પર નિયંત્રણની દિશામાં સૌથી મોટો ખતરો
- દરેક લોકોને વેક્સિન લેવા કરી અપીલ
નવી દિલ્હી: હજુ પણ દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને કેટલીક જગ્યાએ કોરોનાના કેસમાં પણ ઉછાળો આવી રહ્યો છે ત્યારે વેક્સિનેશનને લઇને અદાર પૂનાવાલાએ મહત્વની વાત કહી છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, રસીને લઇને ખચકાટ મહામારી પર જલ્દી નિયંત્રણ મેળવવાની દિશામાં સૌથી મોટો ખતરો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના મુખ્ય કાર્યપાલક અધિકાર અદાર પૂનાવાલાએ કહ્યું કે, રસીને લઇને ખચકાટ મહામારી પર જલ્દી કાબૂ મેળવવાની દિશામાં સૌથી મોટો ખતરો છે. તેમણે કહ્યું કે રાજ્યોની પાસે કોવિડ વેક્સિનના 20 કરોડ ડોઝ પડ્યા છે અને લોકોને જલ્દીથી વેક્સિન લગાવવી જોઇએ.
દેશમાં વેક્સિનના પૂરતા સ્ટોકને લઇને પણ તેઓએ ખાતરી આપી છે અને પૂરતા પ્રમાણમાં વેક્સિન ભંડાર ઉપલબ્ધ કરાવવા માટે પૂરતા પ્રયાસો થયા હોવાની પણ વાત કરી હતી. હું તમામ વયસ્કોને જલ્દીથી જલ્દી રસી લેવા માટે આગ્રહ કરું છું. આ મહામારી પર કાબૂ મેળવવા માટે રસીનો ખચકાટ સૌથી મોટો ખતરો છે.
બીજી તરફ વેક્સિનેશન પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કોવિડની વેક્સિનના બંને ડોઝ લેનારાની સંખ્યા દેશમાં 1 ડોઝ લેનારા કરતા વધારે થઇ ગઇ છે. પીએમ મોદીની જન ભાગીદારી તેમજ સંપૂર્ણ સરકારી દ્રષ્ટિકોણની દૂરંદેશી, સરકારમાં લોકોનો વિશ્વાસ તેમજ ઘર ઘર દસ્તક અભિયાનને કારણે આ સફળતા સાંપડી છે.
નોંધનીય છે કે, તેમણે કહ્યું કે આને 1,16,73,459 રસીકરણ સત્રના માધ્યમથી મેળવી શકાય છે. જેમાંથી 75,57,24,081 ને પહેલા ડોઝ તરીકે આપવામાં આવી અને 38,11,55,604 ડોઝ બીજા ડોઝના માધ્યમથી આપવામાં આવી. રસીના બન્ને ડોઝ લેનારા લોકોની સંખ્યા 38,11,55,604 અને પહેલો ડોઝ લેનારની સંખ્યા 37,45,68,477 ને પાર ચાલી ગઈ છે.