Site icon Revoi.in

દેશમાં લોકોના બેદરકારીભર્યા વલણથી કોરોના વકર્યો: વાયરોલોજીસ્ટ

Social Share

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 15 દિવસમાં કોરોના મહામારી વધુ વકરી છે અને દૈનિક કેસનો રાફડો ફાટ્યો છે. જો કે, કોરોના વાઇરસના નવા પ્રકારોને કારણે કેસ વધ્યા હોવાના અથવા કોરોનાની બીજી લહેર આવ્યાના કોઇ પુરાવા નથી, પરંતુ તે એક સંભાવના છે. જો કે, કેસ વધવાનું સાચું કારણ મહામારી મુદ્દે લોકોની બેદરકારીભર્યું વલણ છે. એક અગ્રણી વાયરલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે જણાવ્યું હતું.

ડૉ. જમીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં તેમજ કોરોનાની રસી લોન્ચ થવાથી લોકોએ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થવાની સાથે લોકોમાં કોરોનાથી બચવા માટેના ઉપાયો મુદ્દે ખોટી ભાવના જન્મી છે. રસી કોરોનાથી રક્ષણ અપાવશે એવી ધારણાએ લોકોને માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું જેવા નિયમોને અવગણ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, રસી આપણું રક્ષણ કરશે તે વાત સાચી, પરંતુ આપણે તે રસી લઈશું ત્યારે આપણું રક્ષણ થશે. રસી લઈએ ત્યાં સુધી કોરોનાની માર્ગદર્શિકાઓનું પાલન તો લોકોએ કરવું જ જોઈએ. દેશમાં 25મી માર્ચ સુધીમાં માત્ર 81 લાખ લોકોને રસીના બંને ડોઝ અપાયા છે, જે દેશની કુલ વસતીના માત્ર ૦.6 ટકા છે.

(સંકેત)