- પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો
- તે જોતા ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે
- આ બેઠકમાં પ્રચાર કઇ રીતે કરવો તેમજ સંક્રમણથી બચવા અંગે ચર્ચા થશે
નવી દિલ્હી: એક તરફ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. કોરોનાના સતત કેસ વધતા કેસને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ અંગે પશ્વિમ બંગાળના એડિશનલ મુખ્ય ચૂંટણી અધિકારી સંજય બસુએ જણાવ્યું કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે ચૂંટણી પ્રચાર અંગે આ બેઠક બોલાવી છે.
પશ્વિમ બંગાળમાં બુધવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ બાદ સર્વપક્ષીય બેઠક બોલાવાઇ છે. બેઠકમાં ચર્ચા વિચારણા કરાશે કે કોરોના વાયરસના વધતા કેસને જોતા પ્રચાર કેવી રીતે કરી શકાય તેમજ સંક્રમણથી કેવી રીતે બચી શકાય. બેઠકમાં વર્ચ્યુઅલ ચૂંટણી પ્રચાર અંગે પણ ચર્ચા થઇ શકે છે. જો કે ચૂંટણી પંચ તરફથી આ વિશે કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
પશ્ચિમ બંગાળમાં બુધવારે કોવિડ-19ના કેસમાં સૌથી વધુ વધારો નોંધાયો. રાજ્યમાં કોરોનાના નવા 5892 કેસ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 24 લોકોના મોત થયા. જેમાં સૌથી વધુ કોલકાતા અને ઉત્તરી 24 પરગણામાં થયા. જ્યાં 7-7 દર્દીઓ મોતને ભેટ્યા. જ્યારે પશ્ચિમ બર્ધમાનમાં 4 લોકોના મોત થયા.
આપને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો પર 8 તબક્કામાં મતદાન થવાનું છે. જેમાંથી ચાર તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. રાજ્યમાં 27 માર્ચના રોજ પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં 31 બેઠકો અને 10 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં 44 બેઠકો પર મતદાન થયું. પાંચમા તબક્કામાં 17 એપ્રિલના રોજ 45 બેઠકો માટે છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો માટે અને સાતમા તબક્કામાં 26 એપ્રિલના રોજ 36 બેઠકો માટે તથા આઠમાં તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે ચૂંટણી પરિણામ 2જી મેના રોજ આવશે.
(સંકેત)