- પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીમાં અનેક માથાઓ થઇ રહ્યા છે સામેલ
- હવે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા
- તેઓ બીજેપીની રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા
કોલકાતા: પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પહેલા જ બીજેપીમાં દિગ્ગજ નેતાઓ સામેલ થઇ રહ્યા છે. આ જ ક્રમમાં હવે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.
તમામ લોકોએ ભાજપમાં સામેલ થઇને બંગાળમાં ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું છે. એવા પણ સમાચાર છે કે ભાજપ હવે પશ્વિમ બંગાળમાં અનેક મોટા માથાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન તેમજ BCCIના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીથી લઇને મિથન ચક્રવર્તી સુધીના દિગ્ગજો ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રસિદ્વ બંગાળી એક્ટર યશ દાસગુપ્તા બીજેપીમાં સામેલ થયા છે. તેમની સાથે લગભગ અડધો ડઝન કલાકારો બીજેપીમાં સામેલ થયા છે. જેમાં વેટરન એક્ટર પાપિયા અધિકારી પણ સામેલ છે.
દિનેશ ત્રિવેદીએ TMCમાંથી આપ્યું હતું રાજીનામુ
નોંધનીય છે કે દિનેશ ત્રિવેદીએ ગત મહિને જ તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. દિનેશ ત્રિવેદીના રાજીનામા પર TMC સાંસદ સુખેન્દુ એસ.રોયે કહ્યું હતું કે, તૃણમૂલનો અર્થ છે જમીન સાથે જોડાયેલું. તેનાથી અમને રાજ્યસભામાં ટૂંક સમયમાં જમીની સ્તરના કાર્યકર્તાઓને મોકલવાની તક સાંપડશે.
(સંકેત)