- વેક્સિનેશન સર્ટિ. પર PM મોદીના ફોટોને હટાવવાની માંગ કરતી અરજી પર કેરળ હાઇકોર્ટે કરી સુનાવણી
- કહ્યું – વેક્સિન સર્ટિ. પર પીએમનો ફોટો જોઇને તમને શરમ આવે છે?
- તમને ગર્વ થવું જોઇએ કે તેના પર આપણા પીએમનો ફોટો છે
નવી દિલ્હી: કોવિડ સામે લડવા માટે વેક્સિન લીધા બાદ વેક્સિન સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તેમાં પીએમ મોદીનો ફોટો હોય છે ત્યારે આ ફોટોને લઇને એક અરજદારે કેરળ હાઇકોર્ટમાં અરજી કરી હતી. કેરળ હાઇકોર્ટે અરજદારને ફટકાર લગાવી હતી.
આ અંગે સુનાવણી કરતા જસ્ટીસ પી.વી. કુન્હીકૃષ્ણે જણાવ્યું કે, તેઓ આપણા વડાપ્રધાન છે, બીજા કોઇ દેશના વડાપ્રધાન નથી. તેઓ જનાદેશ વડે સત્તામાં આવીને પીએમ બન્યા છે, તમને રાજકીય મતભેદ હોય તેનાથી કંઇ આ કેસ ના બની શકે અને તમે તેને પડકારી પણ ના શકો. તમને આપણા વડાપ્રધાનથી શું શરમ આવે છે? 100 કરોડ લોકોને આમાં કંઇ શરમ જેવું લાગતું નથી તો પછી તમે શા માટે રઘવાયા થયા છો. દરેક વ્યક્તિનો રાજકીય અભિગમ અલગ હોઇ શકે. તેમ છતાં તેઓ આપણા વડાપ્રધાન છે. તમે કોર્ટનો સમય ખરાબ કરી રહ્યા છો.
વાત એમ છે કે, થોડાક દિવસ પહેલા એક અરજદારે વેક્સિનેશન સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીરને હટાવવાની માંગ કરતી એક અરજી કેરળ હાઇકોર્ટમાં કરી હતી. અરજદારે એવો અજીબ તર્ક આપ્યો હતો કે, બીજા કોઇ દેશના પ્રધાનમંત્રીની તસવીર વેક્સિનેશન સર્ટિફિકેટ પર આવતી નથી તો પછી ભારતમાં પીએમની તસવીર શા માટે ?
હાઇકોર્ટે અરજદારની આ દલીલ પર જવાબ આપ્યો કે, બીજા દેશોને તેમના વડાપ્રધાન પર ગર્વ નહીં હોય, પરંતુ આપણને આપણા પીએમ પર ગર્વ છે. તમને ગર્વ થવો જોઇએ કે તમારા રસીકરણ પ્રમાણપત્રમાં તમારા વડાપ્રધાનનો ફોટો છે.