Site icon Revoi.in

આજે 74મો આર્મી દિવસ, માં ભોમની રક્ષા કાજે શહીદ થનાર બહાદુર સૈનિકોને સલામ કરવાનો દિવસ, જાણો PM મોદીએ શું કહ્યું

Social Share

નવી દિલ્હી: આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને ખાસ છે. આજે માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા અને પોતાના પરિવારજનોથી હજારો કિલોમીટર દૂર ભારત માતાની ખડેપગે અને મક્કમતાથી રક્ષા કરતા સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો દિવસ છે.

આજે 74મો આર્મી દિવસ છે. વર્ષ 1949માં આ જ દિવસે, ફિલ્મ માર્શલ કે એમ કરિયપ્પાએ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી. ફ્રાન્સિસ બુચર ભારતના છેલ્લા બ્રિશ કમાન્ડર-ઇન-ચીફ હતા.સેનાની કમાન સંભાળ્યા બાદ, ફિલ્મ માર્શલ કે એમ કરિયપ્પા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ બન્યા. ભારતીય સેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે કરિયપ્પાએ કાર્યભાર ગ્રહણ કર્યો તેની યાદમાં આ દિવસ દર વર્ષે આર્મી દિવસ તરીકે ઉજવાય છે.

આજે ભારત પોતાનો 74મો આર્મી દિવસ ઉજવી રહ્યું છે. દિલ્હી અને તમામ આર્મી હેડક્વાર્ટરમાં સૈન્ય પરેડ, સૈન્ય પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સમગ્ર દેશ સેનાના અદમ્ય સાહસ, શૌર્ય, બલિદાનને યાદ કરે છે.

આર્મી દિવસ પર પીએમ મોદીએ શહીદોને યાદ કરતા લખ્યું હતું કે, આર્મી દિવસ પર ખાસ કરીને આપણા બહાદુર સૈનિકો, માનનીય અનુભવીઓ અને તેના પરિવારજનોને શુભેચ્છા. ભારતીય સેના પોતાની બહાદુરી તેમજ શૌર્ય માટે જાણીતી છે. માં ભોમની રક્ષા માટે ભારતીય સેના જે અમૂલ્ય યોગદાન આપી રહી છે તેના માટે શબ્દો પર્યાપ્ત નથી.

મહત્વનું છે કે, ભારતીય સેનાની રચના ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1776માં કરવામાં આવી હતી. દેશની સ્વતંત્રતા પહેલા સેના પર અંગ્રેજ કમાન્ડરનો કબજો હતો. આ પછી, જ્યારે વર્ષ 1947માં દેશ આઝાદ થયો, ત્યારે પણ ભારતીય સેનાના પ્રમુખ બ્રિટિશ મૂળના હતા. લગભગ બે વર્ષ બાદ, 15 જાન્યુઆરી, 1949ના રોજ, સ્વતંત્ર ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચરે ભારતીય સેનાની કમાન ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિયપ્પાને સોંપી હતી.

આ પછી તેઓ જ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય લશ્કરી કમાન્ડર બન્યા હતા. તે ભારતના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક છે. તેથી જ દર વર્ષે 15 જાન્યુઆરીને ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.