- આજે છે વિશ્વ વન્યજીવ દિવસ
- દેશમાં સતત વધતા પ્રદૂષણથી અનેક પ્રજાતિઓ પર વિપરિત અસર
- અનેક પ્રજાતિઓ લુપ્ત થવાને આરે
નવી દિલ્હી: જૈવ વિવિધતાની સમૃદ્વિ પૃથ્વીને રહેવાલાયક બનાવવા માટે યોગ્ય બનાવે છે પરંતુ આજના સમયની વક્રોક્તિ એ છે કે સતત વધતું પ્રદૂષણ વાતાવરણ પર એ રીતે વિપરિત અસર કરી રહ્યું છે કે જેના ખરાબ પરિણામ તરીકે જીવ-જંતુઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિઓ ધીરે-ધીરે લુપ્ત થવાને આરે છે. આ જ કારણોસર સંયુક્ત રાષ્ટ્રએ 20 ડિસેમ્બર, 2013ના રોજ પોતાના સત્રમાં 3 માર્ચના દિવસને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી.
જો દેશમાં લુપ્ત થતી પ્રજાતિઓ પર પ્રકાશ પાડીએ તો તેમાં કાશ્મીરમાં જોવા મળતા હાંગલૂની સંખ્યા માત્ર 200ની આસપાસ રહી છે, જેમાંથી અંદાજે 110 હાંગલૂ દાચીગામ નેશનલ પાર્કમાં રહે છે. એ જ રીતે સામાન્યપણે અમૂક વિસ્તારમાં જોવા મળતા બારાસિંગા હરણની પ્રજાતિ હવે મધ્યભારતના કેટલાક વનો સુધી જ મર્યાદિત રહી છે.
દક્ષિણ અંદમાનના માઉન્ટ હેરિયટમાં જોવા મળતા વિશ્વના સૌથી નાના સસ્તન પ્રાણી સફેદ દાંત ધરાવતા છછૂંદરની પ્રજાતિ પણ લૂપ્ત થવાને આરે છે. એશિયન સિંહ પણ હવે માત્ર ગુજરાતના જંગલો સુધી જ સીમિત છે. દેશમાં વાર્ષિક સ્તરે અનેક વાઘો મૃત્યુ પામે છે, હાથી ટ્રેનથી ટકરાઇને મૃત્યુ પામે છે. તેમાંથી અનેકને તો વન્ય તસ્કર જ મારી નાંખે છે.
ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કંઝર્વેશન ઑફ નેચર અનુસાર ભારતમાં છોડોની અંદાજે 45 હજાર પ્રજાતિઓ મળી આવે છે. તેમાંથી પણ 1336 છોડની પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે. આ જ રીતે ફૂલોની જોવા મળતી 15 હજાર પ્રજાતિઓમાંથી 1500 જેટલી પ્રજાતિઓ લુપ્ત થવાના કગાર પર છે.
પર્યાવરણ નિષ્ણાતો તેમજ વૈજ્ઞાનિકો અનુસાર પ્રદૂષણ તેમજ ધૂમ્મસભર્યા વાતાવરણમાં કીડા-મકોડા સુસ્ત પડી જાય છે. પ્રદૂષણનું ઝેર હવે મધમાખીઓ તેમજ સિલ્ક વર્મ જેવા જીવજંતુઓના શરીરમાં પણ પ્રવેશી રહ્યું છે. રંગબેરંગી પતંગિયાઓને પણ તેનાથી નુકસાન થઇ રહ્યું છે. અનેક જગ્યાએ તો અતિરિક્ત પ્રદૂષણને કારણે વૃક્ષ અને છોડ પર પણ વિપરિત પ્રભાવ જોવા મળી રહ્યો છે.
હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન તેમજ ઓઝોનની વધુ માત્રાને કારણે વૃક્ષ- છોડના પાંદડાઓ પણ સુકા પડીને તૂટી જાય છે. પર્યાવરણ વિશેષજ્ઞો અનુસાર જો આ પરિસ્થિતિ પર અત્યારે ગંભીરતાપૂર્વક ધ્યાન નહીં અપાય તો નજીકના ભાવિમાં અનેક વૃક્ષો-છોડો તેમજ જીવ જંતુઓની પ્રજાતિઓ વિલુપ્ત થઇ જશે.
(સંકેત)