- આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત
- ગુરુવારે બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન સમાપ્તિની ઘોષણા કરી
- ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી
નવી દિલ્હી: આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમેટાયું છે. સંયુક્ત કિસાન મોરચાએ બેઠક બાદ ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાનું એલાન કર્યું છે.
ગુરુવારે સંયુક્ત કિસાન મોરચાની એક મોટી બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા વિચારણા બાદ ખેડૂત નેતાઓએ આંદોલનને સમાપ્ત કરવાની સત્તાવાર ઘોષણા કરી હતી.
આગામી 11 ડિસેમ્બર સુધી ખેડૂતો દિલ્હી બોર્ડર ખાલી કરી દેશે. સરકાર તરફથી સત્તાવાર પત્ર મળ્યા બાદ ગુરુવારે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઇ હતી. તેઓ આ બેઠક બાદ આંદોલન સમાપ્તિની જાહેરાત કરી હતી.
અમે સરકાર સામે નમીને પાછા જઇ રહ્યા છે તેવું ખેડૂત નેતા બલવીર રાજેવાલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કિસાન મોરચાની બેઠક આગામી વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે 15 જાન્યુઆરીએ ફરીથી મળશે. ખેડૂતો 11 ડિસેમ્બરથી દિલ્હી સરહદેથી પરત ફરશે. દર મહિને કિસાન મોરચાની બેઠક યોજાશે.
ખેડૂતોએ પણ ઘરવાપસીની શરૂઆત કરી છે. છેલ્લા એક વર્ષથી સિધુ-કોંદલી સરહદ પર અટવાયેલા ખેડૂતો હવે ઘરવાપસી કરી રહ્યા છે. ખેડૂતોએ સરહદ પર બનેલા તેમના તંબુઓને ઉખાડી ફેંકવાનું તેમજ ટ્રક અને ટ્રેક્ટરમાં તાડપત્રી, પલંગ મૂકવાનું શરુ કર્યું છે. ખેડૂતો અનુસાર સરકારે તેઓની માંગણી સ્વીકારી હોવાથી તેઓ પરત ફરી રહ્યા છે. પંજાબમાં 32 ખેડૂત સંગઠનોએ ઘરે જવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પંજાબના ખેડૂતો 11 ડિસેમ્બરથી ઘરે પરત ફરશે.