- હવે ડ્રોનના માધ્યમથી કોરોનાની રસી ઘર આંગણે પહોંચશે
- તેનાથી કોવિડ-19ની રસી વિતરણની વ્યવસ્થા વધુ મજબૂત બનશે
- તેનાથી કોવિડ-19ની રસીનું વિતરણ પણ ઝડપી બનશે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન વેગવાન બને તેમજ ઝડપી વેક્સિનની સપ્લાય થાય તે જરૂરી છે ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલએ IIT કાનપુરના સહયોગથી ડ્રોનનો ઉપયોગ કરીને કોવિડ-19 રસી વિતરણની શક્યતાનો અભ્યાસ કરવા માટે ICMRને શરતી છૂટ આપી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મંત્રાલયે કહ્યું હતું કે, આ પરવાનગી એક વર્ષના સમયગાળા માટે અથવા સૂચનો ના મળે ત્યાં સુધી માન્ય રહેશે. GIS આધારિત પ્રોપર્ટી ડેટાબેઝ અને ઇલેક્ટ્રોનિક ટેક્સ રજીસ્ટર તૈયાર કરવા માટે દેહરાદૂન, હલ્દવાની, હરિદ્વાર તેમજ રુદ્રપુરના સ્થાનિક તંત્રને ડ્રોન ઉપયોગની શરતી મુક્તિ આપવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, પશ્ચિમ મધ્ય રેલવેને (WCR) પણ કોટા અને કતીની ખાતેના ટ્રેન અકસ્માત સ્થળ અને સલામતી અને રેલવે સંપત્તિની સુરક્ષા જાળવવા માટે પત્ર જાહેર થયાની તારીખથી એક વર્ષ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ અંગે મંત્રાલયે કહ્યું હતું કે, અગાઉ પણ ડ્રોનના ઉપયોગ માટે વ્યાપ વધારવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. વેદાંત લિમિટેડેન એસેટ ઇન્સ્પેક્શન માટેના ડેટા એક્વિઝિશન અને મેપિંગ માટે 2020ની 8 એપ્રિલ સુધી ડ્રોન વપરાશ માટે શરતી મંજૂરી મળી હતી. જો સંબંધિત કંપનીઓ તમામ શરતો અને મર્યાદાઓનું કડક પાલન કરશે તો જ મંજૂરી માન્ય રહેશે.
(સંકેત)