Site icon Revoi.in

બાળકો માટેની ઝાયડસની ઝાયકોવ-ડી વેક્સિનના એક ડોઝની કિંમત નક્કી કરાઇ, જાણો કિંમત

Social Share

નવી દિલ્હી: સરકાર હવે ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો માટે વેક્સિનેશનને લઇને પ્રયાસરત છે ત્યારે હવે ઝાયડસ કેડિલાની બાળકો માટેની કોવિડ વેક્સિન ઝાયકોવ-ડીના એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેડિલા હેલ્થકેરે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે, ભારત સરકારે તેની કોવિડ-19 વેક્સિન ઝાયકોવ-ડીના એક કરોડ ડોઝ માટે ડોઝ દીઠ રૂ.265 કિંમત નક્કી કરી છે.

આ અંગે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શારવિલ પટેલે જણાવ્યુ હતું કે, અમે ઝાયકોવ-ડી સાથે સરકારના રસીકરણ અભિયાનને ટેકો આપીને ખુશી વ્યક્ત કરીએ છીએ. અમને આશા છે કે રસીકરણની સોય મુક્ત એપ્લિકેશન ઘણા લોકોને ખાસ કરીને 12 થી 18 વર્ષની વય જૂથના બાળકો અને યુવાન પુખ્ત વયના લોકોને કોવિડ-19થી રસી આપવા અને સુરક્ષિત રાખવા માટે પ્રેરિત કરશે.

શારવિલ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી અમને 1 કરોડ ઝાયકોવ-ડીનો ઓર્ડર મળ્યો છે જેના એક ડોઝની કિંમત 265 રુપિયા છે. આ પ્રાઈસમાં દરેક ડોઝ આપવા માટે વપરાતા પેઈનેલેસ જેટ એપ્લિકેટરનો ખર્ચ પણ સામેલ છે.

ઝાયકોવ-ડીના ત્રણ ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવશે, જેમાં દરેક ડોઝમાં બંને હાથમાં શોટ નો સમાવેશ થાય છે. 28,000 થી વધુ સ્વયંસેવકોમાં ફેઝ-3 ક્લિનિકલ પરીક્ષણોના વચગાળાના પરિણામોએ લક્ષણાત્મક આરટી-પીસીઆર પોઝિટિવ કેસમાટે 66.6 ટકાની પ્રાથમિક અસરકારકતા દર્શાવી હતી.

નોંધનીય છે કે, ભારતમાં કોવિડનો પ્રકોપ ઓછો થયો છે પરંતુ કેટલાક રાજ્યોમાં ફરીથી કેસમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. તેથી ત્રીજી લહેરની પણ આશંકા નકારી શકાતી નથી. સરકાર પણ તેનાથી બચવા માટે લોકોને માસ્ક પહેરવા, હાથ સ્વચ્છ રાખવા, સામાજિક અંતર જાળવી રાખવાનું સૂચન કરી રહી છે.