અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરીકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલજીએ ઉમેર્યું કે, ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહી તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, હાલોલ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધન કર્યું હતું. આ કાર્યશાળામાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા 600 જેટલા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. આ અવસરે રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું.
રાજ્યપાલે ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં 1400 જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે. તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કૃષિ ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે માટે દસ ગામ દીઠ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જ્યાં ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકશે.