ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નર્મદા જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વ્યાપક પ્રમાણમાં અપનાવીને પ્રકૃતિ-પર્યાવરણ અને જમીનના સંરક્ષણમાં યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, પર્યાવરણની સમતુલા ખોરવવામાં અને જમીનને સત્વહિન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ વપરાશથી થતી રાસાયણિક ખેતીની છે. આ ભૂલને સુધારવાનો અસરકારક એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા યોજાયેલા “ પ્રાકૃતિક કૃષિ….પ્રકૃતિના શરણે ” પરિસંવાદને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરમાં જિલ્લાના ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. અત્રે એ યાદ રહે કે, તેઓ પોતે હરિયાણામાં તેમના ગુરુકૂળમાં નમૂનેદાર પ્રાકૃતિક ખેતી કરે છે અને સ્વયં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમને પ્રાકૃતિક ખેતીના કર્મનિષ્ઠ પ્રચારક તરીકે બિરદાવ્યાં છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, કોરોના કાળને બાદ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ખુબ જ ગતિથી આગળ વધી રહ્યું છે. કોરોના કાળ બાદ આ મિશનનો ગુજરાતમાં ડબલ ગતિથી પ્રારંભ થઇ ચૂક્યો છે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેઓ પ્રવાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેવા સકારાત્મક પગલાં રાજ્ય સરકાર લઇ રહી છે. નર્મદા જિલ્લાના અંદાજે 11 હજાર જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન લઇને આશરે 3371 એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી હોવાનું જાણી તેમણે આનંદ સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાઇને માં નર્મદાના સાનિધ્યમાં નર્મદા જિલ્લો ખૂબ જ ઝડપથી પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો બને તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની દિશામાં નર્મદા જિલ્લા વહિવટીતંત્રના પ્રયાસોને બિરદાવી ટીમ નર્મદાને રાજ્યપાલશ્રીએ અભિનંદ પાઠવ્યાં હતાં.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે. ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ડ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યુ છે. અને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અનુરોધ કર્યો છે. ગુજરાતે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જનઅભિયાન ઉપાડ્યું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરશે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણા ખાતેના તેમના ગુરુકૂળમાં અંદાજે 200 એકર જમીનમાં અગાઉ કરાતી રાસાયણિક ખેતી બદલીને પ્રાકૃતિક ખેતી હાથ ધરતા, તેમાં મળેલી અદ્વિતિય સફળતાના દ્રષ્ટાંતો ટાંકીને જિલ્લાના ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતાં.