ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે પ્રકૃતિનુ સંતુલન બગડયું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જળ-જમીન, પર્યાવરણ દૂષિત થયા અને ઝેરયુક્ત ખાદ્યાન્નોના કારણે માનવ સ્વાસ્થ્ય સામે ખતરો પેદા થયો છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ જ સૌથી મજબૂત વિકલ્પ છે.
રાજ્યપાલએ ભૂમિ, હળ અને ગૌ-માતાનું પૂરા આદરભાવથી પૂજન કરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ દ્વારા પ્રકૃતિના સંતુલનને જાળવી ધરતી પ્રત્યેના ઋણને ચૂકવવા સૌને અનુરોધ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, ભારતીય નસલની દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બનશે એટલું જ નહીં ખેડૂતોની સમૃદ્ધિનું માધ્યમ પણ બનશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકર કરવાનો શ્રેષ્ઠ માર્ગ રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને ગણાવી ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે નાગરિકોને સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે બંસી ગૌ-શાળાના ગોપાલભાઈ સુતરીયા, એસ. એસ. પટેલ, અશોકજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.