ગાંધીનગરઃ ગુજરાતની સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટી એમ કુલ છ યુનિવર્સિટીઓમાં ‘પ્રાકૃતિક ખેતીનો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો નવો અભ્યાસક્રમમાં શરૂ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને શુક્રવારે રાજભવન, ગાંધીનગર ખાતે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ પટેલ , યુનિવર્સિટીના કુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનો કોલેજ કક્ષાનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આંતરમનથી ઊંડું ચિંતન કરીને ભારે પરિશ્રમ કર્યો છે. આ અભ્યાસક્રમમાં પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના તમામ વિષયોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક કિસાનોના વિસ્તૃત અનુભવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભોનો પણ આધાર લેવામાં આવ્યો છે. આ માટે તેમણે સમિતિના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને હિમાયત કરી હતી કે, અધિકમાં અધિક ઉત્પાદન આપી શકે તેવા ભારતીય બિયારણોને વધારે ઉત્કૃષ્ટ બનાવીને યુનિવર્સિટી કક્ષાએ તેનુ સંરક્ષણ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પર પી.એચ.ડી. કરવા માટે વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે, આવનારું ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે. આવનારા સમયમાં વિશ્વ કક્ષાએ પ્રાકૃતિક ખેતીના અભ્યાસની આવશ્યકતા ઉભી થશે ત્યારે ભારત આખી દુનિયાને પ્રેરણા આપી શકશે.
ગુજરાતમાં બી.એસ.સી. (એગ્રીકલ્ચર)માં પ્રાકૃતિક ખેતીનો વિષય અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. એમ.એસ.સી. પ્રાકૃતિક કૃષિ પર કરી શકાશે. આ ઉપરાંત ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી અને પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ પણ શરૂ કરી શકાશે. ત્રણ મહિનાના આ સર્ટિફિકેટ કોર્સમાં કોઈપણ ખેડૂત કે કોઈપણ વ્યક્તિ પ્રવેશ મેળવી શકે એવુ આયોજન કરાશે. આ ઉપરાંત તમામ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિ પર વિદ્યાર્થીઓ પીએચડી પણ કરી શકે એવુ આયોજન છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પણ પ્રાકૃતિક કૃષિ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સામેલ કરાય એવુ આયોજન વિચારાયુ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ પ્રાકૃતિક કૃષિના મિશનને દેશભરમાં તેજ ગતિથી આગળ ધપાવવા પ્રયત્નશીલ છે. ભારતની ઉજ્જવળ આવતીકાલ માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કિસાન આત્મનિર્ભર બને એ જરૂરી છે, અને કૃષિ આત્મનિર્ભર બનશે તો જ કિસાન આત્મનિર્ભર બની શકશે. ભારત આજે પ્રતિવર્ષ ૨,૫૦,૦૦૦ કરોડ રૂપિયા યુરિયા અને ડીએપીખાતરની આયાતમાં ખર્ચે છે. રાસાયણિક ખાતર પાછળ આટલો ખર્ચ કરીને આપણે ઝેર ખરીદીએ છીએ. ધરતીને ઝેરી બનાવીએ છીએ અને એ રીતે ઉગેલું ધાન ખાઈને કેન્સર જેવી બીમારીઓ નોતરીએ છીએ. આ દિશામાં ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે.