1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વર્તમાનના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સફળ વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
વર્તમાનના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સફળ વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

વર્તમાનના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સફળ વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

0
Social Share

અમદાવાદઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેધાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે. વર્તમાન સમયના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જ સફળ વિકલ્પ છે, એમ કહીને તેમણે કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતીમાં ઓછા પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપે એવા બિયારણ માટે સંશોધનો કરવા આહ્વાન કર્યું હતું.

36 છાત્રોને સુવર્ણપદક, 33 વિદ્યાર્થીઓને પીએચ.ડી., 164 વિદ્યાર્થીઓને સ્નાતકોતર પદવી અને 338 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરીને કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ 24% જવાબદાર છે. આ પ્રકારની ખેતીથી ખેડૂતોનો ખર્ચ વધ્યો છે, શરીર અનેક રોગોનું ઘર બન્યું છે, ભૂમિનું ઓર્ગેનિક કાર્બન ઓછું થયું છે. જો આમ જ ચાલ્યું તો આપણે આપણી આવનારી પેઢીને વારસામાં વેરાન જમીન આપતા જઈશું. પીવા માટે શુદ્ધ પાણી પણ નહીં આપી શકીએ.

તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન વધુ મળે છે, કૃષિ ખર્ચ સાવ શૂન્ય થઈ જાય છે, સારા બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃતથી ધરતીની ફળદ્રુપતા વધે છે. આચ્છાદનથી પાણીનો વપરાશ ઓછો થાય છે. વાપ્સાના નિર્માણથી ઓર્ગેનિક કાર્બન વધે છે અને એક સાથે અનેક પાક લઈ શકાય છે. મને આનંદ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના પ્રયત્નોથી ગુજરાતમાં આજે ત્રણ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને સારા પરિણામો મેળવી રહ્યા છે. ભારતને સમૃદ્ધિ તરફ આગળ લઈ જવા આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની આવશ્યકતા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુવર્ણપદક અને પદવીઓ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પરમાત્મા તેમની પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, અહીંથી પ્રાપ્ત કરેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારોના સર્વાગી વિકાસમાં સહભાગી થઇ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરીએ. તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્યને કૃષિ વિકાસના સંદર્ભમાં મોડેલ સ્ટેટ તરીકે જોવામાં આવે છે. 1960 અને 1970ના દાયકામાં પંજાબ અને હરીયાણાએ કૃષિક્ષેત્રે બહુ સારું પ્રદર્શન કર્યુ હતું જ્યારે વર્ષ-2000 પછીના સમયગાળામાં ગુજરાત રાજ્ય કૃષિક્ષેત્રે ખુબ જ પ્રભાવિ રહ્યું છે. કારણ કે હરિયાળી ક્રાંતિની પરકાષ્ઠા દરમિયાન પંજાબમાં નોંધાયેલ કૃષિ વિકાસદરને પણ ગુજરાત વટાવી ગયું છે. ગુજરાતે 9.6 ટકાના દરે કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code