પોરબંદરઃ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને જોડતા બરડાનો ડુંગર વિસ્તાર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. બરડાનો ડુંગર વિસ્તાર વરસાદ બાદ લીલોછમ જોવા મળી રહ્યો છે. ડૂંગરમાંથી ખળખલ વહેતા ઝરણાંઓથી વાતાવરણ આહ્લાદક બની ગયું છે. વરસાદી માહોલમાં વનરાજી પણ ખાલી ઊઠી છે. ડુંગરની ટેકરીઓમાં ઘુમલી આશાપુરા ઉપરાંત આભાપરા માતાજીનું મંદિર, કિલેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક ધાર્મિક સ્થળો આવેલા હોવાથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરમાં કુદરતે ચાર હાથે અફાટ સૌંદર્ય પીરસ્યું છે. બરડા ડુંગરના સૌથી ઉંચા આભપરા શિખરના સૌંદર્યની તો વાત જ અદ્ભુત છે. બરડા ડુંગરમાં સૌથી ઊંચી ટેકરી આભપરા છે. જેની ઊંચાઈ અંદાજે 2 હજાર ફૂટની આસપાસ છે. અત્યારે ડુંગરે જાણે પ્રકૃતિથી લીલીછમ થઇને લીલા રંગની ઓઢણી ઓઢી હોય તેનો હદય સ્પર્શી નજારો જોવા મળી રહ્યો છે.
બરડાના ડુંગર વિસ્તારમાં વરસાદ બાદ લીલોછમ નજારો જોવા મળી રહ્યો છે. બરડાનો ડુંગર વાદળની સાથે વાતો કરતો હોય તેવા દ્રશ્યો, ખળખળ વહેતા ઝરણાં, શાંત લહેરાતા પવન, ઝરમર વરસતો મેહુલિયો, મોરલાના ટહુકારા, નેસમાં આવેલા ગાય ભેંસોના ભાંભરડા અને ઢોર ચરાવતા માલધારીના કર્ણપ્રિય સૂર સાંભળવા મળે છે હાલાર અને પોરબંદરના અમુક ભાગ સાથે અંદાજે 40થી 45 કિમી બરડા ડુંગરની ટેકરીઓ પથરાયેલી છે. આ અદ્ભુત લીલીછમ ટેકરીઓ પ્રકૃતિનો જોતા જ આંખો ઠારે અને આહ્લાદક અનુભવ થાય છે. આભાપરા સૌથી ઊંચી ટેકરી હોવાથી અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ભાણવડ પાસે ઘુમલી નામની ઐતિહાસિક જગ્યાએ આ આભપરાનો ડુંગર આવેલો છે. અહીં આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત એ પણ એક લ્હાવો હોવાથી મોટી સંખ્યામાં લોકો શનિ રવિની રજા અને વરસાદી વાતાવરણ વચ્ચે અહીં દર્શન અર્થે આવતા હોય છે