Site icon Revoi.in

અમદાવાદના નવ નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપમાં આવેલી મ્યુનિ. સ્માર્ટ સ્કૂલની દયનીય હાલત

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ બાળકોને તમામ સુવિધા સાથે શિક્ષણ મળી રહે તે માટે કેટલીક સ્માર્ટ સ્કૂલો બનાવી દીધી હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર નવા નરોડા વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી. આજે આ સ્માર્ટ ગણાતી સ્કુલ ખંડેર જેવી ભાસી રહી છે. સ્કુલના ખંડેર બિલ્ડિંગમાં 200થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સ્માર્ટ સ્કુલનું રૂપાળુ નામ છે, પણ સ્કુલના વર્ગ ખંડોમાં  કોઈ પંખા નથી, લાઇટ નથી, બાળકોને બેસવાની પુરી વ્યવસ્થા નથી. આમ સ્માર્ટ સ્કૂલની ખરાબ હાલત જોઈએ એક માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે બાળકોના અધિકારોના રક્ષણ માટે નવી દિલ્હી રાષ્ટ્રીય બાળ આયોગમાં ઇ-મેઇલથી પિટિશન દાખલ કરી હતી. જેને લઇને બાળ આયોગે આ મામલાને ગંભીરતાને લઇને અમદાવાદ જિલ્લા કલેક્ટરને નોટિસ ફટાકરી છે અને 20 દિવસમાં આ મામલે અહેવાલ રજૂ કરવા નિર્દેશ કર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના જેમ અમદાવાદમાં પણ સ્માર્ટ સ્કુલ બનાવવાના મ્યુનિ.ના સત્તાધિશોએ સ્વપ્ના સેવ્યા હતા. અને શહેરમાં ઘણી જગ્યાએ બહારથી રંગરોગાન કરીને સ્માર્ટ સ્કુલો બનાવી દીધી હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પાર્શ્વનાથ ટાઉનશિપમાં નવા નરોડા પ્રાથમિક સ્કૂલને સ્માર્ટ સ્કુલ બનાવવામાં આવી હતી. આ સ્કુલની બહાર સ્માર્ટ સ્કૂલનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. પરંતુ આ પ્રાથમિક સ્કૂલ એટલી ખંડેર હાલતમાં છે કે ત્યાં નીચે ઉભા રહેવું પણ જીવના જોખમ સમાન છે. જર્જરિત હાલતના બિલ્ડિંગની બાજુના ખાલી કમ્પાઉન્ડમાં બાળકોને ખુલ્લામાં ભણવાની ફરજ પડી રહી છે. જો કે હાલ તો વેકેશન છે, પણ સ્કુલ ચાલતી હોય ત્યારે બાળકોને ખૂલ્લામાં બેસીને ભણવાની ફરજ પડી રહી છે. સ્કૂલની અંદર હિન્દી મીડિયમનું બિલ્ડિંગ તૈયાર થયું છે, પરંતુ ગુજરાતી મીડિયમનું બિલ્ડિંગ તૈયાર કરવા છેલ્લા 3 વર્ષથી માત્ર રાહ જોવાઇ રહી છે. બજેટમાં ફાળવણી કર્યા છતાં કોઈ કારણસર નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવતું નથી.

શહેરના નવા નરોડા વિસ્તારના પાર્શ્વનાથ ટાઉનશીપના રહિશોના કહેવા મુજબ શાળાના જર્જરિત બિલ્ડિંગ અગે અગાઉ પણ જિલ્લા પંચાયતે ધ્યાન ન આપ્યું, ત્યારબાદ મ્યુનિ.કોર્પોરેશને શ્કુલનો વહિવટ સંભાળ્યો હતો.અને સત્તાધિશોએ બિલ્ડિંગને મરામત કરાવ્યા વિના સ્કુલને માત્ર સ્માર્ટ બનાવવા માટેના વાઘા પહેરાવી દીધા હતા. હવે મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલબોર્ડના સત્તાધિશો પણ ધ્યાન આપતા નથી. જેનું પરિણામ બાળકોએ જ ભોગવવું પડી રહ્યું છે. આ સ્કૂલની પાછળ આંગણવાડી પણ છે, જે માટે જર્જરિત બિલ્ડિંગમાંથી જ એન્ટ્રી લેવાની હોય છે, જે જોખમી છે. આ જર્જરિત બિલ્ડિંગમાં મતદાનની કામગીરી પણ કરવાના આવી હતી.

સૂત્રોના કહેવા મુજબ  સ્કુલબોર્ડ દ્વારા ગત વર્ષે આ સ્કૂલ માટે બજેટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર સ્કૂલ ઉભી કરવામાં આવી નથી. આ વર્ષે પણ આ સ્કૂલ માટે બજેટ ફાળવણી કરવામાં આવી છે. સ્કૂલમાં રહેલ જોખમ અંગે તંત્રને સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ જાણ કરી છે. છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. પદાધિકારીઓ અને અધિકારીઓ મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ કામ કોઈ કરતું જ નથી.