અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેક આવવાથી યુવાનોના મોત થવાના બનાવોમાં વધારો થયો છે, એટલું જ નહીં તાજેતરમાં ગરબાની પ્રેક્ટીસ કરતા ત્રણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. હ્રદય રોગના હુમલાના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન વડોદરાના નવલખી મેદાનમાં ગરબા સ્થળે મીનિ ક્લિનીક ઉભુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંચોઃ સુરતમાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તા. 15મી ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની ઉજવણી થશે. નવરાત્રિ મહોત્સવને લઈને યુવાનો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, તેમજ ગરબા આયોજકો દ્વારા પણ નવરાત્રિ પર્વને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન તાજેતરમાં સુરત, જૂનાગઢ અને જામનગરમાં ગરબાની પ્રેક્ટીક દરમિયાન ત્રણેક યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી હતી. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા ખુબ જ વધી ગઇ છે, અને આ કારણે અનેકે જીવ પણ ગુમાવ્યા છે. જેથી આ વખતે નવરાત્રિમાં ખાસ ડૉક્ટરી વ્યવસ્થા રાખવામાં આવશે.
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે વડોદરામાં ગરાબ આયોજકો દ્વારા એમ્બ્યૂલન્સ અને ડૉક્ટર-નર્સના સ્ટાફને ગ્રાઉન્ડમાં જ ખડે પગે રાખાશે. ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે, નવરાત્રિમાં યુવાનોએ ગરબાની રમઝટની સાથે સાથે સ્વાસ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. નવલખી મેદાન ખાતે આયોજીત ગરબાના આયોજકે જણાવ્યું હતું કે, અહીં એક સાથે 45 હજારથી વધારે ખેલૈયાઓ માતાજીની આરાધના કરશે. ખાનગી હોસ્પિટલ સાથે મળીને ગરબા ગ્રાઉન્ડ ઉપર બે તબીબો અને પાંચ નર્સને તૈનાત કરવાની સાથે ક્લિનિક ઉભુ કરવામાં આવશે.
(તસ્વીરઃ પ્રતિકાત્મક)