અમદાવાદઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, જેને લઈને યુવાનોએ નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ગરબા આયોજકોએ પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. બીજી તરફ નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા નવરાત્રિને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં લગભગ 50 સ્થળો ઉપર મોટા પાયે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વિવિશ સોસાયટીઓમાં પણ શેરી ગરબા યોજાશે. જેથી ગરબા આયોજકો માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગરબા આયોજકોએ ગરબા સ્થળ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની સાથે ફાયરસેફ્ટીની વિશેષ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત ખૈલયાઓના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. ગરબા ગ્રાઉન્ડ ઉપર મહિલા અને પુરુષ સિક્યુરિટી ગાર્ડ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નવરાત્રિ આયોજન માટે પોલીસ મંજૂરી ફરજીયાત લેવી પડશે. ગરબા આયોજકોએ આધારકાર્ડ રજૂ કરવું પડશે, જગ્યા માલિકનું સંમતિપત્રક અથવા ભાડાનો કરાર જરુરી કરાયો છે. સાઉન્ડ સિસ્ટમના વ્યક્તિનું નામ-સરનામુ પુરાવા, ગરબા પરફોર્મ કરનારા આર્ટિસ્ટનું સંમતિપત્રક, ખેલૈયાઓ માટે લીધેલી વીમા પોલિસીની વિગતો પણ પોલીસને જણાવવી પડશે.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન શહેરમાં યુવતીઓની છેડતી સહિતના બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર અને સુરતમાં ગરબાની પ્રેક્ટિસ વખતે યુવાનોને હાર્ટ એટેકની ઘટના સામે આવી હતી. જેથી આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ વિવિધ સ્થળો ઉપર આરોગ્યને લઈને ખાસ વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આયોજકોને જરુરી સૂચના આપવામાં આવી છે.